લખતરના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત
બે શખ્સોના ઝઘડામાં શેરીમાં રમતા બાળકને ગોળી વાગતા જીવ ગુમાવ્યો: આરોપીની શોધખોળ
લખતર તાલુકાના ઢાંકી ગામે સોમવારની મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં બે વ્યક્તિઓના ઝઘડામાં ફાયરિંગ થતાં શેરીમાં રમતા 12 વર્ષના બાળકનું મોત થયું હતુ. તો એકને ઇજા પહોંચી છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઢાંકી ગામે પહોંચ્યો હતો.
ઢાંકી ગામે ઇંગરોડી ગામે ચોકમાં બે શખસો અલી નથુ ડફેર અને બાબુભાઈ નારાણભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે નાના બાળકો ચોકમાં રમતા હતા. તે સમયે અચાનક અલી નથુ ડફેરે ફાયરીંગ કર્યું હતું. જેનાથી શેરીમાં રમતા 12 વર્ષીય બાળક નિકુંજ સંજયભાઈ ડુંગરાણીને ગોળી છાતીના ભાગે વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો બાબુભાઇને ઈજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા, ડીવાયએસપી આર.બી.જાડેજા, એલસીબી પીએસઆઈ જે.જે.જાડેજા સહિતની પોલીસ સ્ટાફ લખતર દવાખાને પહોંચ્યા હતા. જ્યારે લખતર પીઆઇ યોગેશ પટેલ સહિતની પોલીસની ટીમે ઢાંકી ગામે ઘટનાસ્થળે પહોંચી બનાવની તપાસ આરંભી હતી. પોલીસ ફાયરીંગ કરનાર અલી નથુ ડફેરની શોધખોળ શરૂૂ કરી હતી.