વેરાવળમાં PGVCLની મેગા ડ્રાઈવમાં 79 વીજ ચોરીના કેસ ઝડપાયા; 21.40 લાખનો દંડ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડિવિઝન હેઠળના પ્રાચી તેમજ આકોલવાડી અને વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા આજે વહેલી સવારથી વિશાળ પાયે વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ ના જૂનાગઢ સર્કલ હેઠળ ના સબ ડિવિઝન ના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ ડ્રાઇવ અંગે માહિતી આપતા પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ અને કાર્યપાલક ઈજનેર જી.બી.વાઘેલા એ જણાવ્યું હતું કે, આ ડ્રાઇવ દરમિયાન અંદાજે 35 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં પીજીવીસીએલ ના 170 અધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ વેરાવળ શહેર ના આરબ ચોક, તુરક ચોરા, ખારવા વાડ તેમજ પ્રાચી અને આકોલવાડી સબ ડિવિઝન ના વિરોદર, રામપરા, ભેટાળી, નાખડા સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ ટીમો ત્રાટકી હતી. વહેલી સવારથી બપોર સુધીમાં કુલ 247 જેટલા વાણિજ્ય અને રહેણાંક હેતુના વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 79 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ તંત્ર દ્વારા આવા વીજચોરી કરનારા આસમીઓને કુલ રૂૂ.21.40 લાખનું દંડ બિલ ફટકારવામાં આવેલ છે. પીજીવીસીએલ ની અચાનક હાથ ધરાયેલી આ વ્યાપક કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં વિજચોરોમાં હડકંપ મચી ગયો હતો. પીજીવીસીએલ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ સમયાંતરે આવી જ ચેકિંગ ડ્રાઇવ ચાલુ રહેેેેનાર છે.