કેરળમાં મહિલા ખેલાડી પર 60 લોકોનું દુષ્કર્મ: કાઉન્સેલિંગમાં કાંડ ખુલ્યો
કેરળ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે પથાનામથિટ્ટામાં બે વર્ષના સમયગાળામાં એક છોકરી પર અનેક વખત બળાત્કાર કરવાના આરોપમાં ચાર એફઆઇઆર નોંધી છે અને છ લોકોની ધરપકડ કરી છે.
આ કેસમાં 60 થી વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા છે. સમાચાર એજન્સીએ શુક્રવારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, બે મહિના પહેલા 18 વર્ષની થયેલી આ છોકરીએ આરોપ લગાવ્યો છે કે તે 16 વર્ષની હતી ત્યારથી તેના પર ઘણી વખત બળાત્કાર થયો છે.
બાળ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત કાઉન્સેલિંગ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એક શૈક્ષણિક સંસ્થામાં છોકરીના શિક્ષકોએ સમિતિને તેના વર્તનમાં નોંધપાત્ર ફેરફારો વિશે જાણ કરી હતી. કેરળ પોલીસે જણાવ્યું હતું કે પોલીસે નોંધેલી બે એફઆઈઆરના સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ પહેલાથી જ એક અલગ કેસમાં જેલમાં છે.
રીપોર્ટ મુજબ પથાનામથિટ્ટા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રાજીવ એન.ના જણાવ્યા અનુસાર સગીર છોકરીએ સૌપ્રથમ શાળાના કાઉન્સેલિંગ સત્ર દરમિયાન જાતીય શોષણ વિશે વાત કરી હતી, ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિના હસ્તક્ષેપ બાદ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. કેરળના પથાનામથિટ્ટામાં આ ખેલાડી પર તેના કોચ, સહપાઠીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ખેલ કેમ્પ સહિત વિવિધ સ્થળોએ આવા કૃત્યો કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.
-----