જિલ્લામાં શ્રાવણિયા જુગારના 6 દરોડા, મહિલા સહિત 43ની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ તહેવારો નજીક આવતાં પુરબહારમાં ખીલી રહી છે ત્યારે આવા શ્રાવણીયા જુગાર પર જિલ્લાની અલગ અલગ પોલીસ દરોડા પાડી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, પાટણવાવ, પડદરી અને લોધિકા પંથકમાં પોલીસે છ જેટલા દરોડા પાડી જુગાર રમતી મહિલાઓ સહિત 43 ની ધરપકડ કરી રૂા.1 લાખની રોકડ કબજે કરી છે.
જિલ્લાના અલગ અલગ છ સ્થળોએ પોલીસે પાડેલા દરોડામાં ધોરાજીમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.36,920ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે પાટણવાવમાં મજેવડી તરીકે ઓળખાતા વાડીના શેઢેથી જુગાર રમતા નવ શખ્સોને રૂા.14,480ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. ધોરાજીમાં વિશ્ર્વકર્મા સોસાયટી પાસેથી જુગાર રમતી બે મહિલા સહિત છ રૂા.15,560ની રોકડ સાથે ઝડપાયા છે. જ્યારે પડધરીમાં બે દરોડામાં બાપા સિતારામ ચોક પાસેથી જુગાર રમતા છ શખ્સો રૂા.12,400ની રોકડ સાથે જ્યારે પડધરીના સરપદડ નજીક જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો રૂા.11,470ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતાં. લોધિકા પોલીસે સાંગણવા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.11,200ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.