રાજકોટમાં શિક્ષક સાથે 50 લાખની છેતરપિંડી
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગુલાબવિહાર સોસાયટી મેઈન રોડના કોર્નર પર રહેતા શિક્ષકને ખોટા ડોક્યુમેન્ટ બનાવી પેઢીમાં ભાગીદાર બનાવી વળતરની લાલચ આપી 50 લાખનું રોકાણ કરાવી મેટોડાના શખસે છેતરપીંડી કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
શિક્ષક અતુલભાઈ ધીરજલાલ બલદેવ (ઉ.વ.50) એ આ મામલે નોંધાવેલી ફરીયાદમાં ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા મેટોડાના ચેતન કનકભાઈ પરમારનું નામ આપ્યું છે. પ્રાઇવેટ ટ્યુશન ચલાવતા અતુલભાઈએ પોલીસને જણાવ્યું કે ગયા વર્ષે જાહેરાત વાંચી હતી. જેમાં બિઝનેસ વધારવા માટે યુનિક મોનોપોલી ધરાવતા 50થી 70 લાખનું રોકાણ કરી શકે એવા પાર્ટનર જોઈએ છીએ તેમ હતું. આથી તેને ધંધામાં રોકાણ કરવું હોવાથી તેમાં આપેલા નંબર પર ફોન કર્યો હતો. આથી સામે ફોન ઉપાડનાર શખ્સે પોતાનું નામ ચેતન પરમાર જણાવી તમારા ઘરે રૂૂબરૂૂમાં આવીને બિઝનેસ વિશે જાણકારી આપીશ કહી બીજા દિવસે આરોપી તેના ઘરે ગયો હતો. જ્યાં ચેતને તેને પોતે ઝોમેટો અને સ્વીગી જેવી કંપનીઓમાં ડીલીવરી મેન એપોઇન્ટમેન્ટ કરતા હોવાનું અને તેના બદલામાં એક વ્યક્તિ દીઠ રૂૂા. 2500થી 5000 સુધી અલગ-અલગ કમિશન મળતું હોવાની વાત કરી હતી. તેમજ ચેતને કંપનીની 150 ફૂટ રિંગ રોડ પર ટવીન્સ સ્ટાર સાઉથ બ્લોકમાં ઓફિસ હોય ત્યાં 20 માણસોનો સ્ટાફ છે અને હવે તે વધુ કામ કરવા માગે છે. બિઝનેસ વધારવા માગે છે. તે માટે પૈસાનું રોકાણ કરી શકે તેવા ભાગીદારની જરૂૂરિયાત છે.તેમ કહ્યું હતું. ત્યારબાદ અતુલભાઈ ચારેક વખત ચેતનની ઓફિસે તપાસ કરવા ગયા હતા અને છ માસ સુધી ચેતનના ધંધા બાબતે અભ્યાસ કર્યો હતો.
ચેતને જણાવ્યું કે પોતા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝને પ્રાઈવેટ લિમિટેડમાં ફેરવવાની ઇચ્છા ધરાવે છે. તેમજ ઇન્દોર અને બરોડામાં ઝોમેટો તરફથી નવી બ્રાંચ શરૂૂ કરવા ઓફર આવે છે તેમ જણાવી અતુલભાઈને ભાગીદારમાં જોડાવવા ઓફર કરી રૂૂ.50 લાખનું રોકાણ કરો તો તમને પણ સારો ફાયદો થશે તેમ જણાવતાં અતુલભાઈએ 50 લાખ ભાગીદારી માટે ચેતનની પેઢીમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તા. 26-3- 24ના તેની પેઢીના 50 ટકા ભાગીદારી ડીડ કરી આપી હતી. તે જ દિવસે આરોપીએ ભવિષ્યમાં ભાગીદારી છૂટ્ટી કરવાની થાય તો ઝોમેટોમાં જે રૂૂ.1 કરોડ ડીપોઝીટ મૂકી છે તે પરત લેવાની જવાબદારી ચેતનની રહેશે તેવું લખાણ કરી આપ્યું હતું. અતુલભાઈએ હિસાબ માંગતા તેને હજી કોઈ હિસાબ કર્યો નથી, થોડા દિવસમાં તમને આપી દઈશ તેવું જણાવ્યું હતું. બાદમાં મે મહિનામાં હિસાબ માંગતા ચેતને ગોળ ગોળ વાતો કરી હતી. અને ઝોમેટોમાં રૂૂ.1.03 કરોડ ડીપોઝીટ અને રિસીપ્ટ રૂૂા. 23.50 લાખ તથા 26.50 લાખ અને અન્ય એન્ટ્રીઓના ડોક્યુમેન્ટ બતાવ્યા હોય જેથી ખરાઈ કરતાં તે ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી આ બાબતે ચેતન સાથે વાત કરતાં તેણે આ બધું એડીટ કરીને બનાવ્યું હોવાનું અને પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા ચેતને પ્રોફીટ સાથેની રકમ પરત આપી દેશે અને ભાગીદારી છૂટી કરી દેશે તેવું લખાણ કરી આપ્યું હતું.થોડા સમય બાદ ચેતન ઓફીસ બંધ કરી ભાગી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.