ઈન્દ્રપ્રસ્થમાં વેપારીના ઘરમાંથી 5 લાખની ચોરી
ચોરીમાં જાણભેદુ હોવાની શંકા, સીસીટીવીના આધારે મહત્ત્વની કડી મળી, શહેરમાં સતત બીજા દિવસે નિશાચરો ત્રાટકયા
રાજકોટમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલીંગ છતાં ચોરીના વધતાં બનાવો પોલીસ માટે જાણે પડકાર હોય તેવું લાગી રહ્યું છે.કરણપરામાં વેપારીના ઘરેથી થયેલી રૂા.9.50 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો જ છે ત્યારે શહેરના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા એક વેપારીના ઘરેથી આશરે પાંચ લાખની ચોરીનો બનાવ બન્યો છે. જો કે આ ચોરીમાં કોઈ જાણભેદુ જ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે અને આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં ચોરીના વધતાં બનાવોમાં વધુ એક બનાવ બન્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એસ્ટ્રોન ચોક પાસેની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા એક વેપારીના ઘરેથી આશરે પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ ચોરીનો આંક પાંચ લાખ ગણાવવામાં આવી રહ્યો છે. આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા આ વેપારીના ઘરેથી તેમના રૂમના કબાટમાંથી આશરે પાંચ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોય જે બાબતની જાણ વેપારીના પરિવારને થતાં તેમણે આ અંગે ઘરના મોભીને વાત કરી હતી અને મામલે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે.
બીજી તરફ વેપારીના ઘરે થયેલી ચોરીના બનાવની પ્રાથમિક તપાસમાં ઘર આસપાસના સીસીટીવી ફુટેજ તપાસ્યા છે અને આ ચોરીમાં સંડોવાયેલા વેપારીના નજીકના જ એક વ્યક્તિની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આ મામલે હાલ આ ચોરીમાં શકમંદને સકંજામાં પણ લીધો છે અને તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે. આ ચોરીમાં સંડોવાયેલો આ જાણભેદુ શખ્સ કે જેને પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરતાં ચોરી કર્યાનું કબુલી લીધું છે.
આ મામલે સત્તાવાર રીતે સાંજ સુધીમાં પોલીસ જાહેરાત કરે તેવી શકયતા છે. રાજકોટમાં સતત ચોરીના બનાવો વધી રહ્યાં છે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો નોંધાયો છે. કરણપરામાં રહેતા ઈલેકટ્રીના વેપારી કેકીનભાઈ શાહના ઘરે થયેલી રૂા.9.50 લાખની ચોરીના બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ત્યાં માલવીયાનગર પોલીસ વિસ્તારમાં આવતાં ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વેપારીના ઘરે પાંચ લાખના સોનાના દાગીનાની ચોરીના બનાવ બનતા પોલીસ પણ ધંધે લાગી છે.