વીડિયો ગેમનો ટાસ્ક પૂરો કરવા 40 વિદ્યાર્થીએ હાથમાં કાપા માર્યા
રૂા. 10ની ઓફરનું પરિણામ કે અન્ય કારણ? બગસરામાં મોટા મુંજીયાસરની ચકચારી ઘટના
ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમુનો બગસરાના મોટા મુંજીયાસરની પ્રાથમિક શાળામા સામે આવ્યો છે. જયાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલની શાર્પનરથી પોતાને ઇજા પહોંચાડી હતી. શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સુચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહી.
જેને પગલે માસુમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પુછપરછ કરી તેમને રમતા રમતા વાગી ગયુ છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કુલમા જઇ પુછપરછ કરાઇ હતી. મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સીપાલ દ્વારા વાલી મિટીંગ પણ બોલાવવામા આવી હતી અને છાત્રો પાસે અમારી ભુલ થઇ ગઇ, હવે આવુ નહી કરીએ એવુ લખાણ લેવાયુ હતુ. જો કે ગામના સરપંચ જયસુખભાઇ ખેતાણી ઉપરાંત રસીકભાઇ ઉકાભાઇ રાઠોડ, શૈલેષભાઇ ચંદુભાઇ સતાસીયા, મયુર પરમાર, રહેમ પરમાર, મનુભાઇ રાઠોડ, એન.એન.રાઠોડ, ડી.એમ.ચૌહાણ વિગેરેએ આજે બગસરા પોલીસ મથકે દોડી જઇ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઉંડી તપાસની માંગણી કરી હતી.
ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7મા અભ્યાસ કરી રહ્યાં છે. શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરવા ઉપરાંત હવેથી બાળકોની તમામ જવાબદારી વાલીની રહેશે તેવુ લખાણ લેવા પણ પ્રયાસ કર્યો હતો. માસુમ છાત્રોના હાથમા મોબાઇલ કેટલો જોખમી બની રહ્યો છે તેના આ ગંભીર ઉદાહરણથી વાલીઓ ચિંતિત છે.બગસરાના પીએસઆઇ સાળુંકેએ જણાવ્યું હતુ કે મોડી સાંજે વાલી અને સરપંચ દ્વારા તેમને આ ઘટનાની અરજી આપવામા આવી છે. શાળા ખુલવાના સમયે જ તપાસ કરીશું.મોટા મુંજીયાસરના સરપંચ જયસુખ ખેતાણીએ પોલીસને અરજી આપી આ પ્રકરણમા શાળાના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી હોય આ ગુનાહિત બેદરકારી માટે કાર્યવાહીની માગ કરી હતી.આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઇજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે જે તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એકપણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસ્દી લેવાઈ નહોતી.
શિક્ષણમંત્રી પાનસેરીયાએ ઘટનાને ચિંતાજનક ગણાવી મગાવ્યો રિપોર્ટ
મુંજિયાસર ગામની ઘટના અંગે શિક્ષકમંત્રી પ્રફૂલ પાનસેરીયાનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યુ કે, વિદ્યાર્થીઓએ પોતે જ એકબીજાને પડકાર ફેંકયો અને આ ગંભીર ઘટના બની છે. આપણા માટે આ ગંભીર બાબત છે. આપણે વિચારીએ છીએ કે સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ અંગે શું કરવું આ બધુ એક સાથે બંધ કરવું મહત્ત્વપૂર્ણ છે. મેં આ ઘટનાનો રીપોર્ટ મંગાવ્યો છે અને સાંજે મને રિપોર્ટ મળી જશે