વડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યા
વડોદરા શહેરમાં ખોટી પોલીસ ઓળખ આપીને વેપારીનું અપહરણ કરી ખંડણી વસૂલવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ભરૂૂચના એક વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પાદરા તરફથી પરત ભરૂૂચ જવાના માર્ગમાં માંજલપુર વિસ્તારના એસઆરપી કેમ્પ પાસે એક વેપારીની કાર અટકાવી આરોપીઓએ પોતાને અમદાવાદ એસઓજીના જવાનો તરીકે ઓળખાવ્યા હતા. વેપારીને મોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સીધું જ અપહરણ કરી અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યો હતો. જ્યારે વેપારીની મહિલા મિત્રને ત્યાં જ છોડી મૂકવામાં આવી હતી.
અપહરણ દરમિયાન વેપારીને ધમકાવીને 5 લાખ રૂૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આથી ગભરાયેલા વેપારીએ 4 લાખ રૂૂપિયા આપતા તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે આરોપીઓએ બાકીના એક લાખ માટે ફરી દબાણ કર્યું હતું. વેપારીએ 50 હજાર રૂૂપિયા આપવા માટે ગલ્લા પાસે એક વ્યક્તિને રકમ સોંપી હતી.
આ દરમિયાન શંકા જતા ફરિયાદી દ્વારા પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ વેપારીએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ત્યારે બે આરોપીઓ સાચા પોલીસ જવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તાંદલજાના આફતાબ પઠાણ અને યાજ્ઞિક રમણ ચાવડાની ધરપકડ કરી છે. યાજ્ઞિક ચાવડા વડોદરા સેન્ટ્રલ જેલમાં સિપાહી તરીકે ફરજ નિભાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભરૂૂચનો જકરીયા તથા જેલ સિપાહી કે.ડી. પ્રજાપતિ હાલ ફરાર છે અને તેમની શોધખોળ શરુ કરવામાં આવી છે.