સિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરી
રાજકોટના રસ્તા પરથી વાહન ચોરી થવાના કિસ્સાઓ રોજ બને છે પરંતુ રાજકોટની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ કે તેમના સગાના વાહનો સુરક્ષિત નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલ માંથી દર વર્ષે ઘણા વાહનોની ચોરી થાય છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ વાહન ઉઠાવગીરો માટે સ્વર્ગ સમાન બની છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનો વાહન ચોરીના બનાવોમાં છેલ્લા એક વર્ષમાં વધ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ માં 35 ના વાહનો ચોરી થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
હોસ્પિટલમાં દર્દી અને તેમના સગા માટે પાર્કિંગ પોલીસ ચોકીની પાછળની શેરીમાં ચાલુ કરાયું છે ત્યારે અહીં પાર્ક કરાયેલા વાહનો અને વાહનોમાંથી બેટરી સહિતના સામાનની ચોરીના બનાવોમાં વધારો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટીની સધન વ્યવસ્થા હોવાનું કહેવાય છે. સિવિલના પ્રાંગણમાંથી અવારનવાર-ખિસ્સા કાતરૂૂ અને મોબાઇલ ચોર ઝડપાઇ જાય છે. ત્યારે વાહનો કે વાહનોમાંથી હોર્ન કે બેટરી ચોરતા તસ્કરો કેમ પોલીસ કે સિક્યુરીટીના ધ્યાને નથી આવતા? તેવો જાગૃત દર્દીઓએ સવાલ ઉઠાવ્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સુરક્ષા માટે 150 સિક્યુરિટી ગાર્ડ પાછળ વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે,છતાં વાહન ચોરો નિર્ભય બની વાહનો ઉઠવી જાય છે. બીજી તરફ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા સહિતના સ્થળે લગાવેલ સીસીટીવી કેમેરા માંથી મોટાભાગના કેમેરા બંધ છે. સિવિલ હોસ્પિટલમાં આવતા જતા લોકો, દર્દીઓ અને તેમના સગાના વાહનોની સલામતિની વાત માત્ર કાગળ ઉપર જ હોવાનું સાબિત થઇ રહ્યું છે.
હોસ્પિટલમાં દર્દી કે તેના સગા જ નહી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાંથી તબીબો કે નર્સિગ સ્ટાફના વાહનો ચોરી થયાના બનાવો પણ બન્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયું સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3000 થી 4000 લોકો ઓપીડી સહિતની સારવાર માટે આવે છે તેમજ 700 થી 800 દર્દીઓ દાખલ હોય છે ત્યારે તેમના સગા અને પરિવારજનો વાહનો લઇ સિવિલ હોસ્પીટલે આવતા હોય ત્યારે વાહન ચોરો માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્વર્ગ સમાન બની રહી છે.
હોસ્પિટલમાં ઘણાં દર્દીઓએ મોબાઇલ સહીતનો સમાન પણ ગૂમાવ્યા છે તેમજ દર્દીઓ અને તેના સાગના ગજવા પણ હળવા થયાની ભૂતકાળની ફરિયાદો થઇ છે. પ્રધ્યુમન નગર પોલીસ દ્વારા ભૂતકાળમાં વાહન ચોરીના બનાવોને ધ્યાને લઇ પેટ્રોલીગ પણ શરુ કર્યું છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને સિવિલ હોસ્પિટલમાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી છે.
લોક વિના વાહનનો પાર્કિંગમાં નહીં રાખવા પોલીસની અપીલ
પ્રધ્યુમન નગર પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવતા 20 થી 25 વાહનો લોક વિનાના મળી આવ્યા હતા. પોલીસ દ્વારા વાહન ચોરી અટકાવવા માટે લોકોને અપીલ કરી છે. જેમાં વાહન પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો. 90 ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમજ લોક થયાની ખાતરી કરો તેમજ રોડ પર અડચણરૂૂપ રીતે કે છૂટુંછવાયું ક્યારેય પાર્ક ન કરો. રાત્રીના સમયે પોતાનું વાહન પાર્કિંગમાં મૂકી વાહનને ખાસ લોક કરવા ઉપરાંત વાહનોમાં કે ડેકીમાં રોકડ નાણાં કે કીમતી દસ્તાવેજો ન રાખવા સુચના આપી છે.