બોગસ બિલિંગ કૌભાંડમાં ધારાસભ્ય બારડના ભત્રીજા સહિત 35ને વોન્ટેડ જાહેર કરાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધેલા બોગસ કંપનીઓ ઉભી કરી જીએસટીના કૌભાંડમાં ગઈકાલે ઈડીની એન્ટ્રી થયા બાદ ટૂંક સમયાં ઈન્કમટેક્ષ વિભાગ પણ તપાસમાં જોડાશે. ગુરૂૂવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં ઈડી, પોલીસ અને જીએસટીના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ઈડીએ પોલીસ તપાસમાં મળી આવેલી કંપનીઓ ઉપરાંત પણ વધુ કેટલીક શેલ કંપનીઓનો પર્દફાશ કર્યાની વિગતો જાહેર કરી હતી.
જ્યારે સામે ક્રાઈમ બ્રાન્ચે ધારાસભ્ય ભગા બારડના ભત્રીજા સહિતના 35 જેટલા ફરાર કૌભાંડીઓની વિગતો પણ ટીમને આપી હતી. અધિકારીનું કહેવું છે કે, શેલ કંપનીઓની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, એક લાખમાં કપની વેચાઈ હતી. જેમાં કંપની બનાવનારી, વેચનારી અને વાપરનારી ગેંગ અલગ અલગ હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે, અમારી તપાસ 200 કંપનીઓ પર ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં પત્રકાર મહેશ લાંગા સહિત દસ આરોપીઓની ધરપકડ થઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યના ભત્રીજા સિધ્ધાર્થ સહિત કુલ 35 આરોપીઓ વોન્ટેડ છે જેની તપાસ હવે દેશભરમાં અલગ અલગ એજન્સીઓની મદદ લઇ કરાઈ રહી છે.
દસ આરોપીઓની તપાસ દરમિયાન તેમના અલગ અલગ રોલ પણ સામે આવ્યાં છે. જે પૈકી 3 આરોપીઓ શેલ કંપની બનાવવા વાળા, 2 આરોપી કપંની વેચવા વાળા અને બાકીના આરોપીઓ બોગસ કંપની ખરીદી તેમાં બિલિંગ કૌભાંડ આચરનાર છે.
આમ બીજા આરોપીઓ પકડાશે તેમના રોલ પણ ખુલશે.ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજીયાણનું કહેવું છે કે, એક કંપની એક લાખમાં વેચાઈ હોવાનું ખુલ્યું છે, માટે રૂૂપિયાની લેતી-દેતીની તપાસમાં ઈડી જોડાઈ છે, આગામી દિવસોમાં આ કંપનીઓથી થયેલા રૂૂપિયાના વ્યવહારની તપાસ માટે ઈન્કમટેક્ષની ટીમો પણ જોડાશે. મોડી રાત્રે અલગ અલગ એજન્સીઓના અધિકારીઓ બેઠક કરી આગળની તપાસની રણનીતિ તૈયાર કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.
આગામી દિવસોમાં પોલીસ-ઈન્કમટેક્સ સંયુક્ત ઓપરેશન કરશે સૂત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં મની લોન્ડરીંગ અને બ્લેક એન્ડ વ્હાઈટના ખેલની તપાસ કરવામાં આવશે. જીએસટી કૌભાંડમાં પહેલીવાર ઈન્કમટેક્ષ અને પોલીસની સંયુક્ત તપાસ કરવામાં આવશે. જેમાં હાલમાં પકડાયેલા આરોપીઓના વ્યવહાર અંગે પણ તપાસ કરવામાં આવશે.
રાજકોટ અને ઉપલેટામાંથી વધુ 12 શેલ કંપનીઓ મળી ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોનું કહેવું છે કે, અમને વધુ 12 જેટલી બોગસ કંપનીઓની વિગતો મળી છે. જે કંપનીઓના રજીસ્ટ્રેશન રાજકોટ અને ઉપલેટમાં છે. આ કંપનીઓમાં કોના વ્યવહાર થયાં છે અને તેને કોણ ઓપરેટ કરતું હતુ તે તમામ તપાસ કરવામાં આવી રહી છે.