ઝાંપોદર મંડળીના પ્રમુખ-મંત્રીનું 31 લાખનું ખાતર કૌભાંડ
ઝડપાયેલા મંડળીના પ્રમુખ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, મંત્રી હજુ ફરાર, સહકારી ક્ષેત્રમાં ખળભળાટ
જૂનાગઢ જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં ખળભળાટ મચાવી દે તેવું સૌથી મોટું નાણાકીય કૌભાંડ સામે આવ્યું છે. વંથલી તાલુકાના ઝાંપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ખેડૂતોને વેચેલા ખાતર અને બિયારણના નાણાંમાં ₹31,06,129ની જંગી ઉચાપત કરી છે. આ મામલે વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનસુખ ગંગદાસભાઈ પાડલીયા સહિત બે શખસો વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને ઉચાપતનો ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સમગ્ર બનાવની વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના મેનેજર સતીષકુમાર ગોવિંદભાઈ ખટારીયા આહીર (ઉંમર 29) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલીયા પ્રમુખ, ઝાંપોદડ મંડળી અને કેવલ જીતેન્દ્રભાઈ જયસ્વાલ મંત્રી, ઝાંપોદડ મંડળી) દ્વારા લાખો રૂૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
ડીવાયએસપીએ જણાવ્યું કે સહકારી ઓડિટમાં ₹31 લાખથી વધુની નાણાકીય ઉચાપત થયાનું સામે આવ્યું હતું. બંને આરોપીઓના બેંક ખાતાઓની તપાસ કરતા સમગ્ર કૌભાંડ કર્યાનું સામે આવ્યું હતું. આ ગુનો 2023-24ના સમયગાળામાં આચરવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ પ્રમુખ અને મંત્રીએ ભેગા મળીને એક સુનિયોજિત યોજના બનાવી હતી, જેમાં ખેડૂતોના નાણાંનો અંગત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝાપોદડ સેવા સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદી સંઘ પાસેથી ₹26,32,451 નું રાસાયણિક ખાતર અને જરૂૂરી બિયારણો મંગાવ્યા હતા. પ્રમુખ અને મંત્રીએ પ્રથમથી જ અપ્રમાણિક ઈરાદો રાખીને આ ખાતર ખેડૂતોને વેચી દીધું.મંડળીના ખાતામાં જમા: ખાતરના વેચાણથી ઉપજેલા નાણાં વસૂલીને તેમણે મંડળીના બેંક ખાતામાં જમા લીધા હતા.નાણાં જમા થયા બાદ, બંનેની સહીવાળા ચેકનો ઉપયોગ કરીને આ નાણાં ઉપાડ્યા હતા.
₹19,45,000 જેટલી રકમ સીધી જ મંડળીના મંત્રી કેવલ જયસ્વાલના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.બંને આરોપીઓએ આ નાણાં પોતાના અંગત વપરાશમાં વાપરી નાખ્યા અને ફરિયાદી સંઘના ખાતરનું બિલ ચૂકવ્યું નહોતું. જેના કારણે સંઘને ₹31,06,129 નું નુકસાન થયું.
વંથલી પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વંથલી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એ ચૌધરી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરીને ઝાંપોદડ સહકારી મંડળીના પ્રમુખ મનસુખ પાડલીયાની અટકાયત કરવામાં આવી છે. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય. હાલમાં મંત્રી કેવલ જયસ્વાલ ફરાર હોવાથી તેની ધરપકડ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.
આ કૌભાંડને કારણે સમગ્ર વંથલી પંથકના ખેડૂતો અને સહકારી આગેવાનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને સહકારી માળખાની પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.