PMની મુલાકાત પૂર્વે અમદાવાદમાંથી શંકાસ્પદ 3 સિરિયન ઝડપાયા
અન્ય ત્રણ શખ્સો નાસી છૂટતા શોધખોળ, યુદ્ધગ્રસ્ત ગાઝા માટે ડોનેશન ઉઘરાવવા આવ્યાનું રટણ
અલહયાત તરહી ગ્રુપના સભ્યો હોવાની શંકા, ભારતમાં લૂંટ ચલાવવાનો પ્લાન હતો, ક્રાઇમબ્રાંચ દ્વારા સધન પૂછપરછ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. અમદાવાદની એક થ્રી સ્ટાર હોટલમાં રોકાયેલ 6 સિરિયન નાગરિકો પૈકી ત્રણની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી પુછપરછ કરતા અલ હયાત તહરી ગ્રુપના સભ્યો એવા આ છ સીરીયન નાગરીકો કોલકાતાથી રોડ માર્ગે ગુજરાત આવ્યા હતા. પકડાયેલ ત્રણ શખ્સો ગાઝામાં યુદ્ધગ્રસ્ત લોકો માટે દેશના જુદા જુદા રાજ્યોમાં ફરી ગાઝા પીડિતોના નામે રૂૂપિયા ઉઘરાવતા હતા.ભારતમાં આવી લુંટ ચલાવવાનો પ્લાન લેબનાનમાં બનાવ્યો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.
ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.માલિક તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે ક્રાઈમ બ્રાંચના સ્ટાફને સંવેદનશીલ વિસ્તારમાં વોચ વધારવા સૂચના આપી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓને સૈનિક જેવા બાંધાવાળા અને અરબી ભાષામાં વાત કરતા શકમંદો અંગે માહિતી મળી હોય ડીસીપી અજીત રાજીયાણની સુચના હેઠળ ગુપ્ત ઓપરેશન હેઠળ ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. સીરિયાના દમાસ્કનો અલી મેઘાત અલઝહેર (ઉવ 23) તેમજ તેની સાથે ઝાકરીયા હેથમ અલઝર અને અહમદ ઓહેદ અલ્હબશ અને યુસેફ અલીદ અલઝહરની અટકાત કરી હતી. આ ત્રણ સાથે ભારત આવેલ અન્ય ત્રણની અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે શોધખોળ શરૂૂ કરી છે.
પકડાયેલ ત્રણ શખ્સોની પુછપરછમાં કેટલાક ચોકાનારા ખુલાસા થયા છે. તેમણે ગાઝામાં મદદના નામે એકઠા કરેલા રૂૂપિયા પૈકી 3400 ડોલર એટલે કે, લગભગ 3 લાખ જેટલી રકમ સીજી રોડના એક ફોરેન એક્સચેન્જથી દુબઈ ટ્રાન્સફર કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તમામ છ સિરિયાથી અલગ અલગ ફ્લાઈટમાં પહેલાં લેબનાન આવ્યાં અને ત્યાંથી એક સાથે અલગ અલગ ફ્લાઈટમાં બેસીને કલકત્તા સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં ઉતર્યા હતા. ત્યાંથી રોડ માર્ગે તમામ અમદાવાદ આવ્યાં હતા. અમદાવાદ આવીને દાન ઉઘરાવવા માટે તે થ્રી સ્ટાર કક્ષાની મોંઘી હોટલમાં રોકાયા હતા જે વાત પણ પોલીસને શંકાસ્પદ લાગી રહી છે.
પોલીસનું કહેવું છે કે, ટુરીસ્ટ વિઝા પર આવ્યાં બાદ તે લોકો આવી કોઈ પ્રવૃતિ કરી શકે નહીં. તેમણે હાલ વિઝા નિયમોનું ઉલ્લંઘન તો કર્યું જ છે. અલ હયાત તહરી આંતકી ગ્રૂપ સિરિયામાં એક્ટિવ હોવાથી વધુ શંકાસ્પદ હયાત તહરીર અલ-શમ નામના સંગઠનને યુએન સિક્યુરિટી કાઉન્સીલ દ્વારા આતંકી સંગઠન જાહેર કર્યું છે. તેને સિરિયામાં આર્મફોર્સ્ડ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ઓળખાયેલા છ શંકાસ્પદની બોડી લેંગ્વેજ અને તેમના શરીર પરના નિશાન ઉપરાંત તેમની સિરિયથી ગુજરાત સુધીની સફર અને અહીંની તેમની પ્રવૃતિ વધુ શંકાસ્પદ બનાવે છે. તેમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે.
આ સીરીયન શકમંદોએ ભારતમાં લુંટનો પ્લાન બનાવ્યો હતો જેના માટે લેબનાનમાં પ્લાન બનાવ્યો હતો. આ ગેંગનો એક શખ્સ અમદાવાદ એલિસબ્રિજની હોટલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો.તેની સાથે કોણ કોણ સંપર્કમાં આવ્યું અને કોણ મળવા આવતું હતું તે મામલે ક્રાઈમ બ્રાંચ તપાસ ચલાવી રહી છે. અમદાવાદની કેટલીક મસ્જીદ માંથી આ સીરીયન શકમંદોએ રૂૂપિયા લીધા હોય તેમજ આ શકમંદો આઇએસઆઈએસ આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતા હોવની શંકાએ વધુ તપાસ શરુ કરી છે. ભારતમાં ક્યાં ક્યાં રોકાયા તેમજ કોણે કોણે મદદ કરી ?તે સહીત ની બાબતો ઉપર હાલ તપાસ ચાલી રહી છે.
સૈનિક જેવો બાંધો અને શરીર ઉપર ગોળી વાગ્યાનું નિશાન
પકડાયેલ સીરીયન નાગરિકો સૈનિક જેવા બાંધાવાળા હોય અને અરબી ભાષામાં વાત કરતા લોકો પર શંકા ગઈ જે પૈકી એકની તપાસ દરમિયાન તેને છાતી અને ખભા વચ્ચે ગોળી વાગ્યાનું નિશાન જોઈ પોલીસને તેમની કામગીરી શંકાસ્પદ લાગી રહી છે, જો કે તે ગાઝાના લોકોની મદદ માટે દાન માંગવા આવ્યાં હોવાનું રટણ રટી રહ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચના આધારભૂત સુત્રોનું કહેવું છે કે, એક મહિના પહેલાં આવેલા સિરિયન નાગરિકો ટુરિસ્ટ વિઝા પર આવી અહીંયા ગાઝામાં યુદ્ધ દરમિયાન થયેલી તબાહી માટે ડોનેશન માંગી રહ્યાં હતા. જો કે તેમની આ પ્રવૃતિ દેખાડા પુરતી હોવાનું મનાઈ રહ્યું છે. રાઉન્ડઅપ કરેલા ત્રણેયની હાલ ક્રાઈમ બ્રાન્ચમાં આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.