ગોંડલમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની કાર રોકી મિત્ર પર 3 શખસોનો હુમલો
ગોંડલમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની કાર આડે બાઈક ઉભું રાખી બોલાચાલી કરી ત્રણ શખસોએ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના મિત્રને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં છરી વડે હુમલો કરવાની કોશિશ પણ કરી હતી. આ અંગે ગોંડલ બી ડિવિઝનમાં ત્રણ શખસો વિરૂૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોંડલના કોટડાસાંગાણી રોડ પર આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વીજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ 40) એ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેહાન ઈદ્રીશ શાહમદાર, રફીક ઉર્ફે મુન્નો હાસમ ચાણકીયા અને અનીશ શબ્બીર ચાણકીયાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.24/06/2025 ના રાતના આશરે સાડા અગિયાર વાગ્યે યુવાન તથા તેનો મીત્ર જગદીશભાઈ નીલેશભાઈ કોટડીયા ક્રેટા ગાડી લઇ ઉદ્યોગનગરથી ઘરે જવા નિકળ્યા હતાં.
દરમિયાન ક્રીષ્ના હોસ્પીટલ સામે પહોંચતા એક એકટીવા ચાલક ડબલ સવારીમા આવી પોતાનું એકટીવા ગાડી આડે રાખી દીધુ હતું. બાદમાં ચાલક કહેવા લાગ્યો હતો કે, તારે આ રીતે ગાડી ચલાવવાની છે, મારા છોકરાને મારી નાખવો છે કહી યુવાન સાથે માથાકુટ કરવા લાગ્યો હતો. જેથી યુવાને તેને મારી કાંઈ ભુલ થઇ હોય તો હું માફી માંગુ છુ તેમ કહ્યું હતું. દરમિયાન ગાડીમાં બેઠેલા યુવાનના મીત્ર જગદીશભાઇ સાથે પણ માથાકુટ કરવા લાગ્યો હતો. જગદીશભાઈને ગાળો દેવા લાગેલ જેથી જગદીશભાઈ ગાડીમાથી નીચે ઉતરતા ઝપાઝપી કરવા લાગ્યો હતો.આ સમયે અન્ય બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. જે પૈકી એક શખસે છરી કાઢેલ અને જગદીશભાઇને મારવા દોડેલ હતો. જયારે એક્ટિવા ચાલક અને બીજા બે અજાણ્યા શખસ જગદીશભાઈને ઢીકાપાટુનો માર મારતા હતાં. અહીં લોકો એકત્ર થઇ ગયા હતાં.
જેમાંથી જગાભાઇ ભરવાડે વચ્ચે પડી જગદીશભાઇને છોડાવ્યો હતો. યુવાાના બાદમાં માલુમ પડયું હતું કે, જગદીશભાઈને માર મારનાર રેહાન ઇદ્રીસ શાહમદાર, રફીક ઉર્ફે મુન્નો હાસમભાઇ ચાણકીયા તથા જેના હાથમા છરી હતી તે અનીશ શબ્બીરભાઇ ચાણકીયા હતો. જેથી આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.