કુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલો
પિતા સાથે આરોપીને માથાકૂટ થયાનો ખાર રાખી પરિવાર શાકભાજી વેચી પરત આવતા તૂટી પડ્યા
શહેરના કુબલીયાપરમાં રહેતા માતા-પુત્ર સહિત 3 લોકો ઉપર સાત થી આઠ શખ્સોએ તલવાર, ધોકા અને છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પિતા સાથે આરોપીને માથાકૂટ થયાનો ખાર રાખી પરિવાર શાકભાજી વેચી પરત ઘરે આવતો હતો ત્યારે આરોપીઓ હથિયાર સાથે તૂટી પડયા હતા.
જાણવા મળતી વિગત મુજબ કુબલીયાપરા શેરી નં.5માં રહેતા રાહુલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.25) તેના માતા શારદાબેન (ઉવ.60) અને તેના ભાભી પાયલબેન દિલીપભાઇ સોલંકી (ઉ.વ.27) ત્રણેય આજે બપોરે શાકભાજી વેચી પરત આવતા હતા ત્યારે ઘર પાસે પહોંચતા કિશોર ધીરુ, અનીલ ધીરુ, ચંપાબેન ધીરુભાઇ, રાજેશ અને અજાણયા ત્રણ, ચાર શખ્સો તલવાર, ધોકા અને છરી જેવા હથિયારો વડે હુમલો કરી મારમારતા ત્રણેયને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સટાફે પ્રાથમિક નોંધ કરી એડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં રાહુલના પિતા ભરતભાઇ ભાવનગર રોડ પર આવેલા પેટ્રોલપંપે પેટ્રોલ ભરાવવા ગયા હતા ત્યારે આરોપી સાથે માથાકૂટ થઇ હોય જેનો ખાર રાખી બપોરે પરિવાર શાકભાજી વેચી પરત ઘરે આવતો હતો ત્યારે આરોપીઓ હથિયાર સાથે તુડી પડ્યા હતા. આ અંગે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.