અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી
જામનગરમાં ગઈકાલે અખાત્રીજના શુકનવંતા દિવસે જ તસ્કરોએ ધોળે દહાડે એક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રૂૂપિયા 6 લાખ ની કિંમત ના 24 તોલા સોનાના દાગીનાની ઉઠાંતરી કરી જઈ હાહાકાર મચાવી દીધો છે. પરપ્રાંતીય એન્જિનિયર યુવાન અને તેમની શિક્ષિકા પત્ની નોકરી પર ગયા હતા, દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનને નિશાન બનાવી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર ના આરામ કોલોની વિસ્તારમાં રહેતા મેરિય મેલવીન એ. નામના 38 વર્ષના મદ્રાસી યુવાન કે જેઓ પોતે મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરે છે, જ્યારે તેઓના પત્ની એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે અભ્યાસ કરાવે છે.તેઓ બંને ગઈકાલે સવારે પોતાની નોકરી પર ગયા હતા, જ્યાંથી બપોરે 3.00 વાગ્યે પરત આવતાં તેમના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તસ્કરોએ મકાનના પાછળના ભાગે લાકડાનો દરવાજો તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ગરવખરી ને વેર વિખેર કરી નાખી હતી. ત્યારબાદ એક હેન્ડબેગમાં રાખવામાં આવેલા રૂૂપિયા છ લાખની કિંમતના 24 તોલા જુદા જુદા સોનાના દાગીના, કે જે તમામની તસ્કરો ચોરી કરી ભાગી છુટ્યા હતા.
આ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને મરીય મેલવીન મદ્રાસીએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તાબડતોબ દોડતો થયો હતો, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરે તેની મદદથી તત્કારોને શોધી કાઢવા માટેની કવાયત શરૂૂ કરી છે.