એર હોસ્ટેસના સપના બતાવી 200 યુવક-યુવતી સાથે છેતરપિંડી
કે.કે.વી.હોલ પાસે આવેલ ફ્રેન્કફીન ઈન્સ્ટિટ્યૂટનાં સંચાલકોએ સૌરાષ્ટ્રભરનાં યુવક-યુવતીઓ પાસેથી લાખો રૂપિયા ફી પેટે ઉઘરાવી લીધા, તાલીમ માન્ય ન હોવાથી તમામને રિજેકટ કરાતા ભાંડો ફુટયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં અનેક યુવક-યુવતીઓને એર હોસ્ટેસ અને ગ્રાઉન્ડ સ્ટાફની નોકરીની લાલચ આપીને મોટા સપના દેખાતી તેમની પાસેથી એક લાખથી પાંચ લાખ સુધીની તોતીંગ ફી વસુલી આવા નોકરી વાંચ્છુક યુવક-યુવતીઓને સપના ચકનાચુર કરી દેનાર રાજકોટની ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટના સંચાલકોએ 200 થી વધુ યુવક યુવતીઓ સાથે છતરપીંડી કર્યાની ફરિયાદ સાથે આજે આ તાલીમની યુવક-યુવતીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી આવ્યા હતાં અને ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટનાં સંચાલકો સામે ગુનો નોંધવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી. પાસે આવેલ ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટ દ્વારા એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ફલાઈટમાં એર હોસ્ટેસ સહિતની જગ્યાએ નોકરી માટે તાલીમી સંસ્થા શરૂ કરવામાં આવી હોય અને તેમાં પ્રવેશ મેળવનાર યુવક-યુવતીઓને 100 ટકાની નોકરીની ખાતરી અપાવી દોઢ લાખથી પાંચ લાખ સુધીની ફી વસુલ કરવામાં આવી હોય 11 મહિનાના આ કોર્સ બાદ નોકરીના સપના સાથે જ્યારે તાલીમ લેનાર યુવક-યુવતીઓ કઠીન પરિસ્થિતિમાં ફી ચુકવી તાલીમ બાદ નોકરી માટે ગયા ત્યારે તેમને ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટ માંથી તાલીમ મેળવનારને નોકરી નહીં મળે તેવો સ્પષ્ટ જવાબ આપીને તેમને રિજેકટ કરી દેતાં કારકિર્દી સાથે ખીલવાડ કરનાર આ સંસ્થા સામે તાલીમ લેનાર યુવક-યુવતીઓએ મોરચો માંડયો છે.
ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટના સંચાલકો દ્વારા તોતીંગ ફી લઈ અને મોટા સપના દેખાડી આવા અનેક બેરોજગાર યુવાનોને છેતર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પર આવેલ આ સંસ્થા છેલ્લા ઘણા સમયથી અનેક વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરીને કરોડો રૂપિયાની ફી વસુલ કરે છે અને 11 મહિનાના આ કોર્સની તાલીમ આપ્યા બાદ કોઈને નોકરી મળતી ન હોય માત્ર રૂપિયા કમાવવા માટે આ ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટ ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટના સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ મામલે કોઈ જવાબદારોએ પ્રત્યુતર આપ્યો ન હતો. ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટ ખાતે જ્યારે છેતરાયેલા યુવક-યુવતીઓ પહોંચ્યા ત્યારે સંચાલકોએ વાત કરવાના બદલે તેમને બહાર ધકેલી દીધા હતાં અને ઓફિસની બહાર બાઉન્સરો મુકી દીધા હતાં. યુવક-યુવતીઓએ ફ્રેન્કફીન ઈન્સ્ટિટયુટની બહાર રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતું. સંચાલકોએ તેમને ફરીથી કોર્સ કરવા માટેની વાત કરી હતી. પરંતુ ફી પરત આપવાની માંગ સાથે યુવક-યુવતીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.