સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલ
કોટડાસાંગાણી તાલુકામાં સીમમાં ઢોર ચરાવવા જતી સગીરાને ભોળવીને અમદાવાદ લઈ જઈ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના પોકસો હેઠળના કેસમાં ગોંડલ સેશન્સ અદાલતે મોહન કાબા ચાવડીયાને 20 વર્ષની સખત કેદનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, આ બનાવમાં ભોગ બનનાર બાળાની માતાએ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદીની 16 વર્ષની પુત્રી સીમમાં ચરાવવા જતી હોય, દરમિયાન અન્ય ઢોર ચરાવનાર મોહન કાબા ચાવડીયાએ સીમમાં એકલવાયી સગીરાના ભોળપણનો ગેરલાભ લઇ શરીર સંબંધ બાંધતા ભોગબનનારને પેટમાં ગર્ભ રહી ગયેલ. ત્યારબાદ ભોગબનનારને આરોપી મોહન કાબા ચાવડીયા ચોટીલા તથા અમદાવાદ વિસ્તારમાં લઈ ગયેલ અને ત્યાં પણ શરીર સંબંધ બાંધેલ અને જેની જાણ ભોગબનનારના માતા-પિતાને થતા ભોગબનનારની માતાએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનામાં આરોપી મોહન કાબાભાઈ ચાવડીયા સામે ફરીયાદ કરી હતી.
જે અંગે પોલીસ અધિકારી એલ.આર.ગોહીલે નરાધમ મોહનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવા ઉપરાંત ભોગબનનારનું નિવેદન લીધેલ તેમજ ભોગબનનારે કોર્ટમાં ગર્ભપાત કરવા માટે કોર્ટમાં અરજી કરેલ અને કોર્ટે ગર્ભપાત કરવાની પરવાનગી આપેલ, તપાસના અંતે કોટડા સાંગાણી પોલીસ દ્વારા મોહન કાબા ચાવડીયા સામે પોકસો સહિતના ગુનાનું ચાર્જશીટ મુકતા આ કેસ ગોંડલ સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલવા ઉપર આવ્યો હતો, જેમાં સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તથા ગર્ભનો ડી.એન.એ રિપોર્ટ તેમજ સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી ગોંડલ સ્પેશિયલ પોક્સો કોર્ટના અધિક સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આરોપી મોહન કાબા ચાવડીયાને આજીવન કેદની સજા ફરમાવી છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયા હતા.