તરઘડીમાં ગોડાઉનમાં બાકોરું પાડી ઓફિસનું લોક તોડી 20 હજાર રોકડની ચોરી
પડધરી હાઇવે ઉપર તડઘરી નજીક બાંધકામનો સામાન ભાડે આપવાનું કામ કરતા વેપારીની ઓફિસની દીવાલનું બાકોરું પાડી ઓફીસનું લોક તોડી લોકરમાંથી રૂૂ. 20 હજારની રોકડનું ચોરી થઇ હતી જેમાં ચોરી કરનાર બુકાનીધારી સીસીટીવીમાં કેદ થતા આ ચોરી કરનાર તસ્કરની પડધરી પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પડધરીના તડઘરીમાં રહેતા અને ભગવતીકૃપા સેન્ટ્રીંગ નામે બાંધકામનો સામાન ભાડે આપતાં વેપારી રણજીતભાઈ સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.37)એ પડધરી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અને તેમના કાકા મોહનભાઈ ખોડાભાઈ ગોહેલ સંયુક્ત સેન્ટ્રીંગ નામે બાંધકામનો સામાન ભાડે આપવાનો વ્યવસાય કરે છે. પડધરી ગામે ખુલ્લા વંડામા ઓફીસ ધરાવે છે. ગત તા. 1/3/2025ના રોજ રાત્રીના આઠેક વાગ્યે ઓફિસ બંધ કરી કાકા-ભત્રીજા બન્ને પોતાના ઘરે જતા રહેલ હતા. બાદમાં બીજા દિવસે સવારે કાકા મોહનભાઈએ ઓફીસ ખોલવા જતા ઓફીસનું તાળુ તુટેલ અને નીચે પડેલ જોવામા આવ્યું હતું.
ઉપરાંત વંડાની દીવાલમાંથી ઈંટો હટાવી બાકોરું પાડવામાં આવ્યું હોય તેવું પણ જોવા મળ્યું હતું. જેથી કાકા મોહનભાઈએ ભત્રીજા રણજીતને ફોન કરતા તે તાત્કાલિક ઓફિસ ખાતે દોડી ગયો હતો અને ઓફિસની અંદર જોતા ટેબલના ખાનાના લોક ખુલ્લા જોવા મળ્યા હતા. જેમાંથી કુલ રૂૂ. 20 હજારની રોકડની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઓફિસના સીસીટીવી જોતા એક શખ્સ મોઢે રૂૂમાલ બાંધી ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરતો જોવા મળ્યો હતો. જેથી વેપારીએ આ મામલે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવીના આધારે બુકાનીધારી શખ્સની શોધખોળ શરૂૂ કરી છે.