સદરબજારની રેસ્ટોરન્ટ સાથે 2.29 લાખની છેતરપીંડી
ભારમલ રેસ્ટોરન્ટના માલિકે મોરબી રહેતા કૌટુબિક ભત્રીજા પર વિશ્ર્વાસ મુક્યો’ને તેણે વિશ્ર્વાસઘાત કયો: ગુનો નોંધાયો
સદરબજારમાં આવેલી જુની ભારમલ રેસ્ટોરન્ટના સંચાલક વ્હોરા વેપારીએ કૌટુંબિક ભત્રીજા એવા મોરબીના શખસ સામે છેતરપિંડની ફરિયાદ નોંધાવી છે. રેસ્ટોરન્ટમાં દેખાભાળ રાખનાર આ ભત્રીજાએ તકનો લાભ લઇ અહીંથી રોકડ રકમ અને સામાન સહિત રૂૂ.2.29 મત્તા લઇ નાસી ગયો હતો.મળતી વિગતો મુજબ,શહેરના રેસકોર્સ રીંગરોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા રાજ કુતબભાઈ લાકડાવાળા (ઉ.વ 26) નામના વ્હોરા વેપારીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીમાં નાની બજાર વિસ્તારમાં સેલ્ફી મોહલ્લા મુલ્લા શેરીમાં રહેતા મુર્તજા હુસેનભાઇ લોખંડવાલાનું નામ આપ્યું છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સદર બજારમાં આવેલ જૂની ભારમલ રેસ્ટોરન્ટ ચલાવે છે. આજથી ચારથી પાંચ મહિના પૂર્વે અહીં તેમના ફઈનો પુત્રનો પુત્ર મૂર્તજા અને તેના પિતા હુસેન લોખંડવાલા અહીં દુકાને આવ્યા હતા અને કહ્યું હતું કે, મારા દીકરા મૃર્તજાને તમે થોડા દિવસ તમારે ત્યાં નોકરીએ રાખો અને તેને વેપારી શીખડાવો જેથી ફરિયાદીએ ફઈના પુત્ર હુસેનની ભલામણથી તેના પુત્ર મૂર્તજાને રેસ્ટોરન્ટમાં સંબંધના નાતે દેખરેખ રાખવા માટે રાખ્યો હતો. મૂર્તજા પર વિશ્વાસ રાખી રેસ્ટોરન્ટ દેખભાળ તમામ કામ સોપ્યું હતું.
મૂર્તજા અહીં ભારમલ રેસ્ટોરન્ટમાં ચાર, પાંચ મહિના સુધી રેસ્ટોરન્ટનું તમામ કામ કરી ફરિયાદીની ગેરહાજરીમાં રેસ્ટોરન્ટમાં કાઉન્ટર પર બેસી વેપાર કરતો હતો. ખરીદ વેચાણના હિસાબની તમામ જવાબદારી તેમજ રેસ્ટોરન્ટના માલસામાનની દેખભાળ તેને સોંપી હતી.ગઈ તા. 20/5થી પાંચેક દિવસ ફરિયાદી કામ સબબ અહીં પોતાની જૂની ભારમલ રેસ્ટોરન્ટ ખાતે ગયા ન હતા. દરમિયાન તા.26/5 ના રોજ તેમના મોબાઈલ ફોનમાં અહીં પોતાની રેસ્ટોરન્ટના કેમેરા ચેક કરતા 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખૂલેલ નહીં. જેથી તેણે મૂર્તજાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો જેથી મુરતુજાના પિતા હુસેનભાઇને ફોન કરી કહ્યું હતું કે, મુર્તજાનો ફોન લાગતો નથી તે તમારે ત્યાં આવ્યો છે જેથી હુસેનભાઇએ કહ્યું હતું કે મને ખબર નથી.
બાદમાં ફરિયાદી રૂૂબરૂૂ અહીં રેસ્ટોરન્ટે ગયા હતા. મૂર્તુજા રહેતો હતો તે રૂૂમમાં જોતા અહીં રેસ્ટોરન્ટની સ્ટોર રૂૂમની કાઉન્ટરની ચાવી રૂૂમમાં શેટી ઉપર પડી હતી અને અહીં રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારી રાજેશ, નવસાદ, લખનની પૂછપરછ કરતા તેણે મૂર્તજા ક્યાં ગયો છે તે વિશે કોઈ જાણ ન હતી.બાદમાં બાદમાં ફરિયાદી એ મોબાઇલ ફોનમાં રહેલા રેસ્ટોરન્ટના કેમેરા ચેક કરતા તારીખ 26/5 ના વહેલી સવારે 4:30 વાગ્યે આસપાસ મુર્તજા ભાગીને જતો નજરે પડ્યો હતો. જેથી રેસ્ટોરન્ટનો હિસાબ ચેક કરતા તા. 20/5 થી 25/5 સુધી રેસ્ટોરન્ટના વેપારના હિસાબના રૂૂપિયા આશરે 22,945 કાઉન્ટરના ટેબલમાં જોવા મળ્યા ન હતા તેમજ વેપારીઓને હિસાબ પેટે ચૂકવવા આપેલ 1.30 લાખ પણ જોવા મળ્યા ન હતા.
મોબાઈલ ફોન તથા રેસ્ટોરન્ટના કામ માટે રાખેલ બાઈક પણ જોવા મળ્યું ન હતું. રેસ્ટોરન્ટના સ્ટોર રૂૂમમાં રાખેલ ડ્રાયફ્રુટ અને કરિયાણાનો સામાન કે જેની કિંમત 50,000 હોય તે પણ જોવા મળી ન હતી. બાદમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે અહીં નવસાદ, અનિલ, રાજન, રાજેશ અને લખન પાસેથી પણ ઉછીના રૂૂપિયા લઈને ભાગી ગયો છે. જેથી ફરિયાદીએ પોતાના ભત્રીજા મૂર્તજા લોખંડવાલાએ રેસ્ટોરન્ટમાંથી રોકડ રકમ, સામાન બાઇક સહિત રૂૂ. 2,39, 945 નો મુદ્દામાલ વિશ્વાસઘાત કરી લઈ ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.