વીરપુરમાં મિત્રના ઘરમાં મિત્રએ જ 19 લાખનો હાથ માર્યો
ખેડૂતને ઘોડી મૂકવા જવા વાહનની વ્યવસ્થા કરાવી ઘરમાંથી હાથ ફેરો કર્યો: પોલીસે રબારિકા પાસેથી કાર સાથે ઝડપી પૂછપરછમાં ગુનો કબૂલ્યો, આરોપી 108 એમ્બ્યુલન્સનો ડ્રાઇવર
સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા વીરપુર જલારામ ગામમાં તસ્કરોએ તરખાટ મચાવી મકાનમાંથી સ્કોર્પિયો કાર,રોકડ રકમ, દાગીના, સીસીટીવી કેમેરા, ટીવી, ડી.વી.આર. તેમજ અન્ય કીમતી વસ્તુઓની તસ્કરોએ ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે ભોગ બનનાર વીરપુરના યુવકે પોલીસ મથકમાં સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ સમગ્ર ઘટનામાં ચોરીના બનાવમાં ફરિયાદી ખેડૂતનો મિત્ર જ ચોર નીકળ્યો હોવાનું સ્પષ્ટ થતા આરોપીને પકડી તમામ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,વિરપુર ગામે રહેતા 29 વર્ષીય સુરેશભાઈ સંજયભાઈ સોલંકી નામના વ્યક્તિએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.12ના રોજ બપોર બાદ પોતાની કાળા કલરની સ્કોરપીઓ ગાડી પોતાના ઘરના ફળિયામાં રાખેલી હતી તે રાખીને તેમની પાસે રહેલ ઘોડીને મૂકવા માટે નવાણિયા ગામ ગયેલ જ્યા સાંજના છ વાગ્યા આસપાસ પોતાના ઘરે લોક મારીને ઘોડી મુકવા માટે ગયેલ હતા જે બાદ ઘોડી મૂકીને પરત રાતના અંદાજિત 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે પહોંચતા તેમના ઘરમાંથી તેમની સ્કોરપીઓ કાર જેની કિંમત અંદાજિત 10,00,000/- રોકડ રકમ રૂૂૂપિયા 3,80,000/- સોનાની દસ વિટીઓ જેની અંદાજિત કિમત રૂૂૂપિયા 2,50,000/- એક સોનાનો ચેન અને પેન્ડલ જેની અંદાજિત કિંમત રૂૂૂપિયા 1,75,000/- હાથમાં પહેરવાનું બ્રેસલેટ જેની અંદાજિત કિંમત રૂૂૂપિયા 1,50,000/- સીસીટીવી કેમેરા તેમજ ડી.વી.આર. તથા ટીવી જેની અંદાજિત કિંમત રૂૂપિયા 10,000/- એમ મળી કુલ રૂપિયા 19,65,000/- ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેમની પાસે એક ઘોડી હતી જે સાચવવા માટે તેમની પાસે પૂરતી જગ્યા ન હતી જેથી તેમના મિત્ર મુન્નાભાઈ લાલુ કાઠી જે રબારીકા ગામના છે તેમને વાત કરેલ હતી અને ઘોડી વેચી નાખવાની વાત કરી હતી જે બાદ મુન્નાભાઈએ ઘોડી વેચવાની મનાઈ કરી હતી અને ઘોડી સાચવવા માટેની વ્યવસ્થા કરવાની વાત કરી હતી જે બાદ ઘોડી નવાણીયા ગામના તેમના મિત્ર સાગરભાઇ લાલુને ત્યાં મુકવા જવાનું હોય તે બાબતે કહેલ અને તા.12ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે ફોન દ્વારા ઘોડી મુકવા માટેનું જવાનું નક્કી થયેલ હતું અને ઘોડી મુકવા માટેની વ્યવસ્થા કરેલ હતી.
બાદમાં ઘોડી મૂકી ગાડી લઈને તે જ દિવસે રાતના 11 વાગ્યે પોતાના ઘરે પહોંચતા મકાનના તાળા અને અંદરનો સમાન વેરવિખેર હાલતમાં જણાતા ચોરી થયાનું માલુમ પડતા અંતે તેમને વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી. એન. એસ. કલમ 305, 331(4), મુજબ ફરિયાદ નોંધી સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસના ધમધમાર શરૂૂૂ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનામાં એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા,પીએસઆઈ બડવા, એચ.સી.ગોહિલ,દિવ્યેશભાઈ સુવા,બાલકૃષ્ણભાઈ ત્રિવેદી,નિલેશભાઈ ડાંગર અને સ્ટાફે રબારીકા ગામ થી કેરાડી ગામ જવાના રસ્તે મનુ પૂર્વે મુન્નો ચાંપરાજભાઈ લાલુ(કાઠી દરબાર)(રહે.જેતપુર,અંકુર વિધાલય)ને પકડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદી ને ઘોડી મુકવા જવું હોય જેથી તેમણે વાહનની વ્યવસ્થા કરી આપી ઘોડી વાહનમાં ચડાવી અને ફરિયાદને વાહનમાં બેસાડી મોકો જોઈ ઘરમાંથી ચોરી કરી કરી હતો.આરોપી પોતે 108 એમ્બ્યુલન્સનો ડ્રાઇવર છે અને તેમને સુરેશભાઈ સાથે બે ત્રણ મહિના પહેલા મુલાકાત થઈ હતી.તેમજ મુન્નો આર્થિક ભીંસમાં આવી જતા ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટમાં 3.80 કરોડમાં જમીન વેચાતા નાણાં આવ્યાની મિત્ર મુન્નાને ખબર હતી
મૂળ રાજકોટના રાધાનગરમાં રહેતા ખેડૂત સુરેશભાઈ સોલંકીની ભાઈઓ ભાગમાં આવેલી થોરાળા ગામની જમીન વેચતા રૂૂપિયા 3.80 કરોડ આવ્યા હતા.ત્યારબાદ તેઓએ વીરપુર નજીક ખેતી ની જમીન અને બે મકાન લીધા હતા.તેમજ બાકીના રૂૂપિયા ઘરમાં પડ્યા હતા.જ્યારે મકાન લેવાનું હતું ત્યારે આ મુન્ના સાથે સુરેશભાઈને સંપર્ક થયો હતો અને તેમને આ જમીનના પૈસા અને ખેતીની જમીન અંગે વાત કરતા મુન્નાની નજર એ નાણાં પર હોય મોકો જોઈ તેમણે આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.