બસપોર્ટ પાસે દુકાનેથી 16 વર્ષનો તરૂણ લાપતા, અપહરણનો ગુનો નોંધાયો
શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ સિટી પેલેસ હોટલમાં આવેલી કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં રહેતા પિતા-પુત્ર રાતે અહીં દુકાનમાં સુતા હતા. સવારના આધેડનો 16 વર્ષનો પુત્ર ક્યાંક ચાલ્યો ગયો હોય જે અંગે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આ સગીરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, બસ સ્ટેન્ડની પાછળ સિટી પેલેસ હોટલમાં દુકાન નંબર 2 માં ધૈર્ય ઇન્ફોસીસ નામની દુકાનમાં કોમ્પ્યુટર રિપેટીંગનું કામ કરનાર ભાવેશભાઈ મનહરલાલ ટાંક(ઉ.વ 46) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભાવેશભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરે છે તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. દસેક વર્ષ પૂર્વે પત્ની ઘર છોડી ક્યાંક જતી રહી છે બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને હાલ સાસરે છે. જ્યારે ફરિયાદી અને તેમનો 16 વર્ષનો પુત્ર ધૈર્ય બંને અહીં દુકાનમાં જ રહે છે.
ગઇ તા. 19/4 ના પિતા-પુત્ર બંને અહીં દુકાને કોમ્પ્યુટર રીપેરીંગનું કામ પૂરું કરી સુઈ ગયા હતા. આધેડને દાંતમાં દુ:ખાવો થતો હોય જેથી મોડી રાત સુધી ઊંઘ આવી ન હતી. રાત્રીના 4:30 વાગ્યે ઊંઘ આવ્યા બાદ સવારના દસેક વાગ્યે અહીં ગ્રાહક આવતા તેઓની ઊંઘ ઊડી હતી અને જોતા તેમનો દીકરો ધૈર્ય અહીં જોવા મળ્યો ન હતો. જેથી તે ફ્રેશ થવા ગયો હશે તેવું માની લીધું હતું પરંતુ 11:00 વાગ્યા સુધી તે દુકાને ન આવતા અને તેનો ફોન પણ બંધ આવતો હોય અહીં દુકાનમાં સુવા આવતા વૃદ્ધને પૂછતા તેણે કહ્યું હતું કે, સવારે પોણા આઠેક વાગ્યે તમારો પુત્ર અહીં નાસ્તાની દુકાને તથા તેની બાજુમાં આવેલી પાનની દુકાને ઉપયોગ ઊભો હતો. દુકાને તપાસ કરતા કહ્યું હતું કે, સવારે આઠ વાગ્યે તે અહીં આવ્યો હતો અને બહારગામ જવું છે તેમ કહેતો હતો.
પરંતુ ક્યાં જવું છે તે કંઈ કહ્યું ન હતું.બાદમાં આધેડ અહીં આસપાસ અને બસ સ્ટેન્ડની અંદર પુત્રની તપાસ કરી હતી. પરંતુ તેમછતાં તેનો કોઈ પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરી છે. આ અંગે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરના સગડ મેળવવા શરૂૂ કરી છે. બનાવ અંગે વધુ તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.વાય. મહંત ચલાવી રહ્યા છે.