લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા
જામનગર શહેર લાલપુર અને મોરકંડા ધાર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલા સહિત 15 આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગરમાં પ્રથમ દરોડો ગોકુલ નગર નજીક રામનગર શેરી નંબર -8 માં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી આશાબેન કેશવજીભાઈ મોઢવાડિયા, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, ઉપરાંત ભરતભાઈ કરમશીભાઈ ચોપડા, રામભાઈ પોલભાઈ વસરા, અને ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 32,350 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર નો બીજો દરોડો મોરકંડા ધાર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગંજી પાના વડે જુગાર રમી રહેલા રમેશ શામજી વિરમગામા સહિત પાંચ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 10,420 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. જુગાર અંગેનો ત્રીજો દરોડો લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા અજય મનસુખભાઈ કમેજરીયા સહિત પાંચ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 19,200 ની રોકડ રકમ, ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 29,700 ની માલમતા કબજે કરી લેવામાં આવી છે.