ગોંડલમાં જુગાર રમતા રાજકોટ, જામનગર અને જૂનાગઢના 11 શખ્સો ઝડપાયા
1.29 લાખની રોકડ સહિત 6.39 લાખનો મુદ્દામાલ કબજે : રાજકોટની 3 મહિલા જુગાર રમવા ગોંડલ ગઈ હતી
ગોંડલના ગોકુલધામ વિસ્તારમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ગોંડલ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરના 11 શખ્સોને ઝડપી લીધા હતાં. પકડાયેલ જુગારીઓમાં રાજકોટની ત્રણ મહિલાનો સમાવેશ પણ થાય છે. એલસીબીએ રૂા.1.29 લાખની રોકડ સહિત 6.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ, ગોંડલના ગોકુલધામ વિસ્તારમાં દાસીજીવણ સ્કૂલ પાસે રહેતાં વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા પોતાના મકાનમાં જુગાર કલબ ચલાવતા હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક વિજયસિંહ જાડેજા ઉપરાંત રાજકોટના રેલનગરમાં રહેતી ભાવનાબેન દિનેશભાઈ પીઠડીયા સાથે રેલનગર ભક્તિપાર્કમાં રહેતી નિશાબેન રામસિંગભાઈ ઠકુડી તથા રાજકોટના રણુજાનગરમાં રહેતી રૂપલબેન સંજયભાઈ માણેક તથા જામનગરની હંસાબા રણવીસિંહ ચુડાસમા ઉપરાંત જૂનાગઢ અલંકાર સિનેમા પાસે રહેતો આરટીઓ એજન્ટ વસીમ ઈકબાલ ગીરાચ, રાજકોટ કોઠારીયા રોડ પર આશાપુરા શેરી નં.1માં રહેતા મહેશ નટુ પરમાર, ગોંડલ રોડ શિવ હોટલની સામે રહેતાં બશીર ઓસમાણ સર્વદી, ભરૂડીના ધર્મરાજસિંહ મંગળસિંહ જાડેજા, જૂનાગઢ નહેરૂ પાર્ક સોસાયટીના વેપારી હિમાંશુ દિનેશ અઢીયા તથા ગોંડલના દિપકસિંહ મહીપતસિંહ ઝાલાની ધરપકડ કરી હતી.
એલસીબીએ રૂા.1.29 લાખની રોકડ અને બે વાહનો તથા 11 મોબાઈલ મળી 6.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ અને સ્ટાફના ઈન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ, મહીપાલસિંહ ચુડાસમા અને દિલીપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.