શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ફાઈનાન્સ કંપનીના મેનેજર સાથે 11 લાખની ઠગાઈ
શહેરના અંબીકા ટાઉનશીપમાં રહેતા અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવાનને શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપી ટીપ બહાને એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ટોળકીએ રૂા.11.47 લાખની છેતરપીંડી કરતાં આ અંગે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવાનને શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપીને તેને વોટસએપ ગ્રુપમાં એડ કર્યા બાદ અલગ અલગ 11 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
મળતી વિગતો મુજબ, અંબીકા ટાઉનશીપ પાસે સિધ્ધી ચોકમાં રહેતા અને કેપ્રી ગ્લોબલ હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરતાં દિપકભાઈ જેન્તીભાઈ પરસાણીયાની ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસે 11 એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધ્યો છે. દિપકભાઈ પરસાણીયા સાથે રૂા.11.47 લાખની છેતરપીંડી કરનાર આ ત્રણ મોબાઈલ ધારકોએ શેર બજારમાં ઉચા વળતરના નામે દિપકભાઈને ફસાવ્યા હતાં. સ્ટોક માર્કેટનું વોટસએપ ગ્રુપ બનાવી તેમાં દિપકભાઈને એડ કર્યા હતાં અને આ ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ઉચુ વળતર મળશે તેવી ટીપ આપી હતી અને એક લીંક મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
કેપ્રી ગ્લોબલ હાઉસીંગના એરિયા મેનેજર દિપકભાઈએ આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રૂપિયા 11.47 લાખનું રોકાણ કરાવ્યું હતું અને આ રોકાણના વળતર માટે જ્યારે દિપકભાઈએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ટોળકીએ રૂપિયા ઉપાડવા દીધા ન હતાં. આથી દિપકભાઈએ આ મામલે અલગ અલગ 11 બેંક એકાઉન્ટમાં જે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં તે 11 એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવતાં ફાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.