ઉનાના ચાચકવડ ગામે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પરથી 10 કિલો ચાંદીના દાગીનાની ચોરી
ગીર સોમનાથના ઉના નજીક ચાંચકવડ ગામ પાસે આવેલા પૌરાણિક તપોવન આશ્રમના મંદિરમાં શનિવારે મોડી રાત્રે મોટી ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડીને હનુમાનજીની મૂર્તિ પરથી આશરે 10 કિલોથી વધુ ચાંદીના દાગીના તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી લીધા હતા. કુલ અંદાજિત 17 લાખ રૂૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ચોરાયેલા દાગીનામાં 8 કિલો વજનની ચાંદીની માળા ફ્રેમ, 1.250 કિલોની બે ચાંદીની નાની-મોટી ગદા, 700 ગ્રામની ચાર ચાંદીની માળા અને 1 કિલો વજનનો હનુમાનજીની મૂર્તિનો મુગટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તસ્કરોએ સીસીટીવીનું ડીવીઆર અને દાનપેટીમાંથી આશરે 20 હજાર રૂૂપિયાની રોકડ પણ લઈ ગયા હતા.
તસ્કરોએ રાત્રિના અંધારામાં મંદિરમાં પ્રવેશ કર્યા બાદ સૌપ્રથમ તમામ લાઈટો બંધ કરી દીધી હતી. ત્યારબાદ સીસીટીવી ડીવીઆર રાખેલા રૂૂમની પાછળની બારી તોડીને ડીવીઆર સાથે લઈ ગયા હતા. આ ઘટનાની જાણ મંદિરના પૂજારી નટવરલાલ દેવમુરારીને થતાં તેમણે તુરંત ટ્રસ્ટીઓ અને સેવકોને જાણ કરી, અને પછી ઉના પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચોરીની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. ચૌધરી અને પી.આઈ. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તસ્કરો જાણકાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તસ્કરો મંદિરના પાછળના ભાગે આવેલી નદી તરફથી આવ્યા હશે, અને આ દિશામાં પણ તપાસ ચાલુ છે.
તસ્કરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. હાલ પૂજારીની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટનાએ સ્થાનિક ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાવી છે.