જુગારના ત્રણ દરોડામાં ચાર મહિલા સહિત 1રની અટકાયત : પપ હજારની રોકડ જપ્ત
શ્રાવણિયા જુગાર વિરુધ્ધ પોલીસની કડક ઝુંબેશ
જામનગર તેમજ જામજોધપુરમાં પોલીસે શ્રાવણિયા જુગાર પર વધુ ત્રણ દરોડા પાડયા છે. જેમાં ચાર મહિલા સહિત બાર જુગારીઓને ઝડપી લઈ અડધા લાખ ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી છે. જેમાં એક મકાનમાં ચાલતો મહિલા સંચાલિત જુગાર પણ ઝડપી લેવાયો છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ શ્યામનગરની શેરી નંબર 6માં રહેતી એક મહિલા મંજુબેન કિશોરભાઈ રાંદલપરા પોતાના મકાનમાં બહારથી અન્ય મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોય તેવી બાતમી પોલીસને મળતાં સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જયાં જુગાર રમી રહેલા મકાન માલિક મંજુબેન કિશોરભાઈ રાંદલપરા, નલિનીબેન બાબુભાઈ કોટડિયા, જીજ્ઞાબેન જગદિશભાઈ જોગીયા અને જયોતીબેન દિનેશભાઈ સોલંકી નામની ચાર મહિલાઓને ગંજીપના વડે રમતી રંગેહાથ ઝડપી લીધા હતા. તેઓ પાસેથી રોકડ રૂૂા. 48,પ00 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલ જૂના રેલવે સ્ટેશન પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલ વિષ્ણુભાઈ મહાવીરભાઈ ગુઢકા, સુરેશ કાનાભાઈ બાવરી અને કાસમ મુસાભાઈ કુરેશી નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. ર8પ0 કબ્જે કર્યા છે.
જ્યારે જામજોધપુર તાલુકાના વેરાવળ ગામે જાહેરમાં તીનપતી નામનો રોન પોલીસનો જુગાર રમી રહેલ અબ્દુલ કાસમ સમા, હાજી હાસમભાઈ રાવકરડા, આમદ મુસાભાઈ રાવકરડા, ઈસ્માઈલ રાવકરડા અને ઈકબાલ જુસબ રાવકરડા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. પ080 કબ્જે કર્યા છે.