રાધેશ્યામ ગૌશાળા પાસે કારના વર્કશોપમાંથી 1.80 લાખની ચોરી, તસ્કરોની ઓળખ મેળવવા તપાસ
મવડી વિસ્તારમાં આવેલી રાધેશ્યામ ગૌ શાળા પાસે આવેલા જે.કે. કાર્સ નામના વર્કશોપમાં ત્રાટકેલા તસ્કરો ગેરેજ કામને લગતી રૂૂા.1.80 લાખની કિંમતની ચીજ-વસ્તુઓની ચોરી કરી ગયાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.શિવશક્તિ કોલોનીમાં રહેતા કાર્તિકભાઈ મુકેશભાઈ ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,તેઓ જયરાજસિંહ બાવકુભાઈ વાંક સાથે ભાગીદારીમાં વર્કશોપ ચલાવે છે. જયાં ફોર વ્હીલરનું બોડીકામ, કલરકામ અને રિપેરીંગ કરે છે. વર્કશોપ સાથે સ્પેરપાર્ટની કેબીન અને ઓફિસ ઉપરાંત પેઈન્ટ બુથ આવેલા છે.ગઈ તા. 12મીએ સવારે 11 વાગ્યે પ્રસંગમા જવું હોવાથી વર્કશોપને લોક મારી ઘરે ગયા હતા. પાર્ટનર સાંજે સ્પેરપાર્ટની કેબીન અને ઓફીસની કેબીનના દરવાજા ઉપરાંત મેઈન ગેઈટના દરવાજાને લોક મારી ગયા હતા.
ગઈકાલે સવારે વર્કશોપે પહોંચ્યા ત્યારે ઓફિસ અને સ્પેરપાર્ટની કેબીનનો દરવાજો ખુલ્લો હતો. અંદરથી કોમ્પયુટર, મોનિટર અને બીજો સામાન ચોરી થઈ ગયો હતો. જે અંગે આજે ફરિયાદ નોંધાવતાં રાજકોટ તાલુકા પોલીસના પીએસઆઈ બી.વી.સરવૈયા અને સ્ટાફે સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.