નકલી પોલીસે જુગારની રેડ કરી 1.73 લાખ પડાવ્યા, અંતે ભાંડો ફૂટ્યો
સુરત શહેરમાં પોલીસની ઓળખ આપી જુગાર રમી રહેલા મિત્રો પાસેથી 1.73 લાખ રૂૂપિયા પડાવી લેવાયા હતા. કોઈપણ કેસ કર્યા વગર ત્યાંથી પોલીસ બનીને આવેલા ચાર ઈસમો રૂપિયા લઈને જતા રહ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી તમામ મિત્રો ભજીયા પાર્ટી માટે એકઠા થયા હતા. તે દરમિયાન સાતેય લોકો જુગાર રમવા બેઠા હતા. મિત્રો જુગાર રમી રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસ બનીને ચાર લોકો આવ્યા હતા. આવેલા આ લોકોના ગયા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા ચાર ઈસમો સામે લોકોને શંકા ગઈ હતી.
જેથી તાત્કાલિક તમામ જુગાર રમતા મિત્રો એ વરાછા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો ત્યાં જઈને તમામ આપવીતિ હકીકત જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ તમામ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચાર લોકો કારખાનાની અંદર આવ્યા હતા તો એક વ્યક્તિ દાદર પાસે ધ્યાન રાખીને કરીને ઊભો હતો. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નકલી પોલીસ બનીને આવેલા ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસની તપાસ દરમિયાન મહેશ ડાંગર ,લલિત ચૌહાણ અને આકાશ વાઘેલા ઝડપાયા છે. જ્યારે અન્ય બે આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. ઝડપાયેલા ત્રણ આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.