વાવડીમાં મકાનમાંથી થયેલી 1.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, લોહાનગરના બે શખ્સો ઝબ્બે
બકાલાના ધંધાર્થીએ પુત્રીના લગ્ન માટે રાખેલા દાગીના તસ્કરો ચોરી ગયા’તા: વધુ બે શખ્સોના નામ ખુલ્યા
વાવડીમાં બકાલાના ધંધાર્થીના મકાનમાંથી રૂૂ.1.53 લાખના મુદામાલની ચોરી કરનાર લોહનગરના બે શખ્સોને તાલુકા પોલીસે દબોચી 1.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.જ્યારે સગીર સહિત બે શખ્સો પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
બનાવની વિગતો મુજબ,વાવડીમાં વૃંદાવન ગૌશાળાની સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દિપકભાઇ બચુભાઇ સોલંકીએ ગઈ તા.2/9ના રોજ ફરિયાદ કરી જેમાં જણાવ્યું હતું કે તેમની દીકરીના લગ્ન માટે તેઓએ ઘરેણાં લીધા હતા અને દાગીના પણ લીધા હતા તે સહિત રૂૂ.1.53 લાખનો મુદામાલની ચોરી થઈ હતી.આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ.હરિપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.આર.ભરવાડ અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજા અને જયપાલસિંહ સરવૈયાને 150 ફૂટ રિંગરોડ પર સાકરીયા ફાર્મની સામે શક્તિ ટી સ્ટોલ પાસેથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને બાતમીના આધારે અટકાવી પુછપરછ કરતાં પોતાનું નામ અર્જુન અરજણ ડાભી (ઉ.વ.20),(રહે. લોહાનગર, ગોંડલ રોડ) અને કરણ ઉર્ફે નાનો અરજણ ડાભી (ઉ.વ.20),( રહે. લોહાનગર, ગોંડલ રોડ) જણાવ્યું હતું.
તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂૂ.1.13 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.બંનેની પૂછપરછમાં રાહુલ ભકા સોલંકી અને એક સગીરનું નામ ખુલતા તેમની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,ત્રણેક માસ પહેલાં ચોટીલા આણંદપુર રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલ કરિયાણા અને રમકડાંની દુકાનમાં તાળા તોડી રોકડ અને સીસીટીવી કેમેરાની ચોરી કર્યાની આરોપીએ કબુલાત આપી હતી.તેમજ દિવસના રેકી કરી રાતના સમયે ચોરીને અંજામ આપતાં હતાં.