ગોંડલ પંથકના રેતી-કપચીના ધંધાર્થીને હનીટ્રેપમાં ફસાવી 1.07 લાખ પડાવી લીધા
રાજકોટ કાનસર આવેલા વેપારીને પડધરીના ખજૂરડી ગામે મળવા બોલાવ્યો: પોલીસનો સ્વાંગ રચીને આવેલા શખ્સોએ ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા
ગોંડલ તાલુકાના ડૈયા ગામે રહેતા અને રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા વેપારીને સાતેક દિવસ પહેલા અજાણી મહિલાએ ફોન કરી હનીટ્રેપમાં ફસાવ્યા બાદ પડધરીના ખજુરડી ગામે આશ્રમમાં મળવા અને સેવાના બહાને લઈ જઈ વેપારી યુવાન પાસેથી પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ છરીની અણીએ ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 1.07 લાખની માલમત્તા પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ડૈયા ગામના રેતી કપચીના ધંધાર્થી નીતેશકુમાર ખીમજીભાઈ રાઠોડ (ઉ.40)એ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે 25 વર્ષની અજાણી મહિલા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાતેક દિવસ પહેલા અજાણી મહિલાએ વોટસએપ કોલ કરી અને આશ્રમમાં સેવાનું કામ કરીએ છીએ અને તમે આ સેવાકીય કાર્યમાં જોડાવ તેવી વાતચીત કરી હતી. ત્યારબાદ અવારનવાર મહિલા ફોન કરી વાતચીત કરતી હતી. ગત તા.5-7-2024ના ફરિયાદી કામસર રાજકોટ આવ્યા હતાં. ત્યારે અજાણી મહિલાએ વોટસએપ કોલ કરી પડધરી નજીક આશ્રમે સેવાકીય કાર્ય માટે બોલાવ્યા હતાં.
અજાણી મહિલાની વાતચીતમાં આવી જઈ વેપારીએ પોતાનું બેંકનું કામ પતાવી મહિલાને ફોન કરતાં સૌપ્રથમ માધાપર ચોકડીએ મળવાનું કહ્યું હતું ત્યારબાદ ઘંટેશ્ર્વર નજીક આવો તેમ કહ્યું હતું. મહિલાની વાતચીતમાં આવી જઈ વેપારી ઘંટેશ્ર્વર પોતાની અલ્ટો કાર લઈ પહોંચ્યા ત્યારે મહિલા તેમની કારમાં બેસી ગઈ હતી અને આ બન્ને પડધરી પાસે આશ્રમે જવાનું છે તેમ કહ્યું હતું.
અજાણી મહિલા સાથે વેપારી યુવાન પડધરીના ખજુરડી ગામે પહોૈંચ્યા હતાં અને મહિલા આશ્રમમાં જતી રહી હતી આ વખતે પીછો કરી રહેલા બે શખ્સો વેપારી પાસે આવ્યા હતાં અને આ મહિલા કોણ છે ? તું ઓળખે છે ! આ મહિલા ડ્રગ્સની ધંધાર્થી છે અમે તેને આઠ દિવસથી શોધીએ છીએ. તું પણ તેની સાથે ડ્રગ્સનો ધંધો કરશ તેમ કહી વેપારીને લાફો મારી છરીની અણીએ વેપારીને તેની જ કારમાં ખજુરડી ડેમ પર લઈ ગયા હતાં.
વેપારી યુવાનને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસના સ્વાંગમાં આવેલા બન્ને શખ્સોએ ત્રણ લાખ માંગ્યા હતાં અને ફરિયાદીના ખીસ્સામાં રહેલ 42 હજાર રોકડા, 12 હજારની કિંમતનો સોનાનો ચેઈન પડાવી લીધો હતો અને મિત્રો, સંબંધીઓને ફોન કરી ગુગલ પે થી 35 હજાર પણ પડાવી વેપારીને ડેમ પાસે જ મુકી આરોપીઓ નાસી ગયા હતાં.
આ બનાવની વેપારીએ પડધરી પોલીસને જાણ કરતાં પોલીસે હનીટ્રેપનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે મહિલા અને અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.