રાજ્યના 175 તાલુકાઓમાં અવિરત 0॥થી 2॥ ઈંચ
નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, તાપી, પંચમહાલ, જૂનાગઢ, ભાવનગર, અબડાસા પંથકમાં મેઘસવારી યથાવત
રાજ્યમાં અમુક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં 175 તાલુકાઓમાં અડધાથી અઢી ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વરસાદી વિરામની આગાહી કરવામાં આવ્યા બાદ ફરી વખત સિસ્ટમ સર્જાતા ગઈ કાલે 175 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ નવસારી અને ખેર ગામ, ડાંગ આહવા, વલસાડ, કપડવંજ તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને કચ્છના અબડાસા વિસ્તારમાં અડધાથી બે ઈંચ તેમજ બાકીના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે પાણી વરસી જતાં ખેતરમાં ઉભા પાકને ફાયદો થયો છે.
રાજ્યમાં ગઈકાલે 24 કલાક દરમિયાન 175 તાલુકાઓમાં 0॥થી 2॥ ઈંચ વરસાદ વરસી ગયો છે. જેમાં નવસારીના ખેરગામમાં 2॥, ડાંગના આહવામાં 2।, વનસાડા 2, વલસાડ 2, કપડવંજ 2, વાલિયા 1॥, નર્મદા જિલ્લાના ડેડિયા પાડા 1।, કપરાડા 1, વ્યારા 1, ચીખલી 1, તારાપુર 1, સોનગઢ 1, માળિયા હાટીના 0॥, તળાજા 0॥, તાલાલા 0॥ વરસાદ વરસી જતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત સાત દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ખેતરો જળબંબાકાર બની ગયા છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના અમુક જિલ્લાઓમાં અડધા ઈંચ અને ઝાપટા સ્વરૂપે પાણી વરસતા ઉભા પાકને મોટો ફાયદો થયો હોવાનું ખેડુતોએ જણાવ્યું છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, ખેડા, ભરૂચ, નર્મદા અને પંચ મહાલ સહિતના જિલ્લાઓમાં સતત વરસાદથી ખેતીના પાકને ભારે નુક્શાન તેમજ રોડ-રસ્તાઓ ધોવાઈ જતાં વાહન વ્યવહાર પણ અનેક જિલ્લાઓમાં આજે પણ ખોરવાયેલો રહ્યો છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, પાંચમી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (બીજી ઓગસ્ટ) સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, ભરૂૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 25 જેટલાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
3 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 22 જિલ્લામાં હળવાથી મધ્યમ માહોલને પગલે હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.