અટલ સરોવરમાં એન્ટ્રી ફી ઉઘરાવવા હરવા ફરવાની છૂટ, રાઇડો બંધ
ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પછી પણ 100 ટકા કામ પૂરું થયું નથી, આવતીકાલથી શરૂ કરવાની મેયરની જાહેરાત
તહેવારો ટાણે કોન્ટ્રાકટરને એન્ટ્રી ફીના ઉઘરાણાની બમ્પર કમાણી કરાવવા ગોઠવાયો તખતો]
રાજકોટની શાન અટલસરોવરને એક વખત ચાલુ કર્યા બાદ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને કારણે ફરી વખત બંધ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને પણ અધૂરા કામ પુરા કરવા માટે મુદત મળી હોવા છતાં હજુ સુધી કામ પુરા કર્યા નથી ત્યારે ફરીથી તહેવારોનો લાભ આપવા માટે અધૂરા કામે અટલ સરોવરને ફરી આવતીકાલે ચાલુ કરવામાં આવશે.
અટલ સરોવર બનાવવાનું કામ જ્યારથી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે ત્યારથી કોઈને કોઈ બાબતે વિવાદો સામે આવતા રહ્યા છે હવે જનરલ બોર્ડના સવાલમાં ચોકાવનારી વિગત બહાર આવી છે કે તારીખ 18/7/2024 સુધીમાં અટલ સરોવરનું કામ 100 ટકા પૂર્ણ થયેલ નથી આમ છતાં એક વખત મુખ્યમંત્રી સુધીના હસ્તે ઉદઘાટન કર્યા બાદ ફરીથી અટલ સરોવર ચાલુ કરવા માટે લોબી સક્રિય થઈ ગઈ છે. તારીખ 18 ના મળેલ જનરલ બોર્ડમાં ડો. અલ્પેશ મોરજરીયાના જવાબમાં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ તરફથી જણાવ્યું છે કે હાલ અટલ સરોવરને ડેવલપ કરવાનું કામ ભૌતિક રીતે 96 ટકા અને નાણાકીય રીતે 84.14% જ પૂર્ણ થયેલ છે. હવે આ સરોવર આવતીકાલે ફરી ચાલુ કરી દેવાની મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
હવે કોન્ટ્રાક્ટરને આગામી જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોનો લાભ મળે અને લોકો ચિક્કાર ભીડ લગાવી મોંઘા ભાવની એન્ટ્રી ટિકિટો લઈ કોન્ટ્રાક્ટરને કમાણી કરાવે તે માટે તખ્તો તૈયાર કરી દેવાયો છે. આ અંગે મેયરની યાદીમાં જણાવાયું છે કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું અટલ સરોવરની મુલાકાત લઈ અભિભૂત થાય તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલ તા.01/08/2024, ગુરૂૂવારથી અટલ સરોવર ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ મુલાકાતીઓ માટે હાલ બંધ રાખવામાં આવશે.