પ્રેમી સાથે ભાગી જવા પત્નીએ પતિને ઘેની પદાર્થ દૂધમાં ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો
ધારી તાલુકાના ગોવિંદપરા ગામે એક પરિણીતા પતિને દૂધમાં ઘેની પદાર્થ પીવડાવી બે બાળકોને ઘરે છોડી પ્રેમી સાથે નાસી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ગોવિંદપુર ગામે રહેતા પશુપાલક રૈયાભાઈ ઊર્ફે રવિભાઈ મંગાભાઈ બતાડાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે રાત્રિના સમયે તેમની પત્ની મીનાએ તેઓને દૂધનો કટોરો ભરીને આપ્યો હતો તે પી લીધા બાદ ગાઢ નિંદ્રામાં સરી પડયો હતો. એ પછી કોઈએ તેને અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરી દીધા હતા. ત્યાં તેની સારવાર ચાલુ હતી. સવારે મોડેથી આંખો ખોલતા તેના પલંગ પાસે ગોવિંદપુરના ભાવેશભાઈ તથા કનભાઈ બતાળા ઉભા હતા. તેઓએ કહ્યું કે તમારા બે દીકરા ક્રીશ અને જેનિલને ઘરે મુકી કોઈની સાથે તમારી પત્ની ચાલી ગઈ છે. આ વખતે ફરજ પરના ડોકટરે કહ્યું હતું કે તમોને ઊંઘની દવાનો ઓવરડોઝ થઈ ગયો હતો.
આથી રૈયાભાઈ (રવિભાઈ)ને ખ્યાલ આવી ગયો હતો કે તેની પત્ની મીનાને કોઈ સાથે પ્રેમ સંબંધ હોઈ દૂધમાં વધુ પ્રમાણમાં ઊંઘની ટીકડીનો ભુક્કો નાખી બેહોશ કરીને પ્રેમી સાથે ભાગી ગઈ છે. આમ, તેના શરીરને નુકસાન થાય તેવું પત્ની જાણતી હોવા છતાં આ કૃત્ય કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.