પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?
અમરેલીના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરબોમ્બને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા મુદ્દે અમરેલીના રાજકમલ ચોકમાં ‘અસલી પત્રની ચર્ચા‘નો ચોરો નામે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ધાનાણીએ કૌશિક વેકરિયાને પણ આમંત્રણ આપીને પોતાના પર લાગેલા આરોપ પર સ્પષ્ટતા કરવા જણાવ્યું હતુ. જોકે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા મોં છુપાવીને ભાગી ગયા હતા અને આ કાર્યક્રમમા દેખાયા ન હતા.
ચર્ચાના ચોરોને લઈને પ્રતાપ દૂધાત, વીરજી ઠુમ્મર, જેની ઠુમ્મર સહિત કોંગ્રેસના નેતાઓ રાજકમલ ચોક પહોંચ્યા હતા. આ સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, મેં કૌશિક વેકરિયાને જાહેર આમંત્રણ આપ્યું હતુ. જેમાં ભાજપના આગેવાન, કાર્યકરોએ પાર્ટીના નેતૃત્વ વિરુદ્ધ તમારી (કૌશિક વેકરિયા) ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. તેની ચર્ચા કરવા તમે ઉપસ્થિત રહો.તમારી છત્રછાયા નીચે અમરેલીના ગામેગામ દારૂૂની હાટડીઓ ખુલી ગઈ છે.
પોલીસ હપ્તા ઉઘરાવે તે તો સાંભળ્યું, પણ પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? શેત્રુંજી નદીની રેતીમાં સરકારને રોયલ્ટી મળે અને અમરેલી જિલ્લાના ગરીબ માણસના ઘરના ઘરનું સપનુ સાકાર થાય, તે માટે અમે વારંવાર વિનંતી કરી છે.જો કે શેત્રુંજી નદીમાં ખનન માફિયા કોની છત્રછાયા હેઠળ ફૂલ્યા-ફાલ્યા છે, કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે? ચપડી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે. જેવા વેધક સવાલો ઉઠાવ્યા હતા.
ધાનાણીએ આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે અમે હારી ગયા હશુ, પણ મરી ગયા નથી, હજુ જીવીએ છીએ. આ લોકોએ દિકરીના સ્વાભિમાનને કચડવાનુ કામ કર્યુ છે. પાયલને ન્યાય અપાવવા માટે અમે છેક સુધી લડી લેશું.
ધાનાણીએ રાજકમલ ચોકમા નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરવાનુ એલાન કરતા કહયુ હતું કે સફેદ બુશકોટ પહેરતા અને ઇન કરતા તમે શિખવાડયું, કૌશિકભાઇ અપેક્ષા હતી કે તમે પડકાર ઝીલીને ચર્ચા કરવા આવશો. અમરેલીના લોકોને એમ હતું કે અમે નેતા ચુટીને મોકલ્યો છે, પરંતુ આજે લોકોને અલગ જ અહેસાસ થઇ રહયો છે.