અમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે.
ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પિકઅપે સર્જેલા ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓમાં સાવરકુંડલા તાલુકાના મઢડા ગામના કાનાભાઈ વાલજીભાઈ ગિડા (ઉંમર 49) અને ગોસ્વામી ભરતગીરી પ્રતાપગીરી (ઉંમર 35)નો સમાવેશ થાય છે. કરુણતા એ છે કે ભરતગીરી તેમની પુત્રીના લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળ્યા હતા.
બોલેરો ચાલકે સૌ પ્રથમ એક બાઈકને ટક્કર મારી, ત્યારબાદ એક ફોરવ્હીલ અને બીજા બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ખાંભાના રહેવાસી રૂૂડાભાઈ સાતાભાઈ મેવાડાને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ખાંભા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર થયેલા આરોપી ચાલકની શોધખોળ શરૂૂ કરી છે. આ ઘટનાથી મૃતક ભરતગીરીના પરિવારમાં લગ્નપ્રસંગ પહેલાં જ શોકનો માહોલ છવાઈ ગયો છે.