સંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયા
અમરેલી ભાજપના કહેવાતા નકલી લેટરકાંડમા ભાજપના જ નેતાઓ સાથે નિર્દોષ યુવતીની ધરપકડ કરી સરઘસ કાઢવાના અને માર મારવાના કાંડમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. જેલમાથી મુકત થયેલા ભાજપના ત્રણ નેતાઓએ આ મામલામા ચોકાવનારા ખૂલાસા કર્યા છે અને સમગ્ર કાંડ માટે ધારાસભ્ય કૌશિક વેકરીયા તરફ અંગુલી નિર્દેશ કર્યા છે.
અમરેલીના લેટરકાંડ મામલે પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ જશવંતગઢમાં પત્રકાર પરિષદ યોજીને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. વઘાસિયાએ જણાવ્યું કે, પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી. SP ઓફિસમાં કિશોર કાનપરીયાની હાજરીમાં માર માર્યો હતો. તેમજ દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી અને નારણ કાછડીયા વિશે પૂછપરછ કરવા અને નામો ખોલાવા દબાણ કર્યું હતું. તેમજ તેઓએ કહ્યું કે, પાયલબેનને રહેવા દો એ અમારી દીકરી સમાન છે એને આમા સામેલ ન કરો, મને જે કરવું હોય ઈ કરો.
પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ જણાવ્યું કે, 27 તારીખે રાત્રે 10:30 વાગ્યે LCBની ગાડી અમારે ઘરે આવી હતી અને લેટરકાંડ મામલે તપાસ અર્થે મને લઈ ગયા હતા. પોલીસ અમને પૂછપરછ માટે લઈ ગઈ હતી. જ્યા મને પૂછ્યું કે આની પાછળ કોણ નારણભાઈ કાછડિયા છે? લેટર ઓરજીનલ છે? તો મે ના કીધી કે આની પાછળ કોઈ નથી. જે બાદ પાયલ બેનને લેવા જવા કહ્યું તો મે કહ્યું કે, સાહેબ એને તમે રહેવા દો એ અમારી દીકરી સમાન છે એને આમા સામેલ ન કરો જે કઈ હોય તે મને કહો હુ કબુલ કરી લવ છું. તેમ છતાં તેઓ માન્ય નહીં અને પાયલબેનને લઈને આવ્યાં અને એને પણ ટોર્ચર કરી હતી. પાયલબેનને જાવા દીઓ તેનો આમા કઈ રોલ છે નહીં.
વધુંમાં જણાવ્યું કે, મને ખુબ માર મારવામાં આવ્યો અને કહ્યું કે, આમા કોણ નારણભાઈ કાછડિયા છે? તો મે ના કીધી અને કહ્યું કે, આમા કિશોર કાનપરિયાની જ સહીં છે, લેટરપેડ એનો ઓરિજનલ છે એનું ઋજક કરો એટલે બધુ બહાર આવી જશે, તો પણ પોલીસ માની નહીં અને મને કહ્યું કે, આમાં કોણ છે એનું નામ આપ. દિલીપ સંઘાણી, અશ્વિન સારવલિયા, મુકેશ સંઘાણી આ બધાના નામ લઈને કહ્યું કે, આમાંથી કોઈ છે. જે બાદ મારા હાથમાં પટ્ટા માર્યા હતા. મને ખુબ માર માર્યો હતો. SP અને ફરિયાદીની હાજરીમાં મને માર માર્યો હતો. નામ બોલાવવા માટે ખુબ દબાણ કરવામાં આવ્યું હતું.
વઘાસિયાના જણાવ્યા મુજબ, રિક્ધસ્ટ્રક્શન દરમિયાન કૌશિક વેકરીયાના પી.એ. સહિતના લોકોની હાજરીમાં તેમને માર મારવામાં આવ્યો હતો.તેમણે આરોપ મૂક્યો કે, પોલીસે તેમની હથેળીમાં પટ્ટા માર્યા હતા અને ફરિયાદીની હાજરીમાં પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે તેમને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા, જ્યાં માત્ર નામ અને ઉંમરની પૂછપરછ કરવામાં આવી હતી.
કૌશિક વેકરીયાને બદનામ કરવાના ઇરાદે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના લેટર વાયરલ થવાના મામલે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મનીષ વઘાસિયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા અને પાયલ ગોટીનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે વઘાસિયાને તાલુકા ભાજપ પ્રમુખ બનવું હોવાથી આ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
લેટરનો FSL રિપોર્ટ કેમ હજુ સુધી બહાર નથી આવ્યો?
વઘાસિયાએ માંગણી કરી છે કે, આ કેસમાં સામેલ તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પાયલ ગોટીએ DGPને કરેલી ફરિયાદ અંગે હજુ સુધી કોઈ પગલાં કેમ લેવામાં આવ્યા નથી. તેમજ તેઓએ લેટરનો ફોરન્સિક રિપોર્ટ કેમ હજુ સુધી બહાર નથી લાવવામાં આવ્યો તેને લઈને સવાલો ઉઠાવ્યાં હતા.