ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરવાના કારસા સામે વેપાર-ધંધા બંધ
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરવાના કારસા સામે વેપાર-ધંધા બંધવેપારીઓની સાથે ધારાસભ્યએ પણ રોષ દાખવતા તંત્ર દોડતું થયું
અમરેલી જિલ્લાના ખાંભાના જંગલ વિસ્તારમાં આવેલા હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના વન વિભાગના નિર્ણય સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. 14 જૂલાઈએ સાધુ સંતોને બહાર કાઢી લોક મારવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે વનવિભાગના આ નિર્ણય સામે ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે અને આ નિર્ણયને પરત લેવાની માગ ઉઠી છે. એક તરફ આસ્થા છે તો બીજી તરફ નિયમો છે. આવુ જ કંઈક ખાંભાના હનુમાનગાળા મંદિરને લઈને સામે આવ્યુ છે. જંગલ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં રાત્રિના સમયે પ્રવેશતા વનવિભાગ રોકતુ હોવાના અને હેરાનગતિ કરતુ હોવાના ખાંભાના લોકોએ આક્ષેપ કર્યા છે.
વનવિભાગ દ્વારા હનુમાનગાળા મંદિરમાં રહેતા સાધુઓને મંદિર ખાલી કરવાનું કહેવામાં આવ્યુ છે અને 14 જૂલાઈએ મંદિરને લોક મારવાનો નિર્ણય લેવાયો છે. જેની સામે સ્થાનિકોમાં ભારે નારાજગી છે. આસ્થાના કેન્દ્ર સમા આ મંદિર દ્વારા વનવિભાગને કોઈપણ પ્રકારની ક્યારેય અડચણરૂૂપ કામગીરી થતી ન હોવાનુ જણાવાયુ છે.
વેપારીઓએ વનવિભાગના આ નિર્ણનો બંધ પાળી વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સહિતનાએ વનવિભાગની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો છે અને સરકારનું ધ્યાન દોરી તેમા હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. અંબરીશ ડેરે જણાવ્યુ છે કે જ્યા હનુમાનગાળા એ અહીંના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને તેનાથી કોઈ જ અડચણ લોકલ લોકો દ્વારા થતી નથી. ત્યારે રાજ્ય સરકાર સામે તેમણે માગ કરી છે કે હનુમાનગાળામાં ભાવિકોની અવરજવર પર લગાવાયેલી રોક હટાવવામાં આવે.
આ સમગ્ર મામલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યુ કે તેમણે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને તેમણે વનવિભાગને સૂચના આપી છે કે કોઈ મંદિર કે આશ્રમ ખઆલી નહીં કરાવે.