સેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!
રાજુલામા શિક્ષણના હાટડા સમાન બનેલી સેન્ટ મેરી સ્કુલે બે છાત્રોની ઉંમર પુર્ણ ન થઇ હોવા છતા માત્ર ફી વસુલવાની લાલચે એડમીશન આપી ત્રણ વર્ષ સુધી ફી વસુલ્યા બાદ ફરી ધોરણ 1મા અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખતા અને આ બારામા વકિલે નોટીસ ફટકારતા શિક્ષણ વિભાગે સ્કુલને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
અમરેલી જિલ્લામા શિક્ષણ જગતને વ્યાપારીકરણનો રોગ લાગ્યો છે. જેના કારણે માસુમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ થઇ રહી છે. અને જવાબદાર લોકો મૌન ધારણ કરીને બેઠા છે. રાજુલાના અમીતભાઇ કસવાલાના પુત્ર ધ્યેય અને પુત્રી ધ્યાનાને રાજુલાની સેન્ટ મેરી સ્કુલે વર્ષ 2021-22મા એલકેજીમા એડમીશન આપ્યું હતુ. 22-23મા યુકેજી અને 23-24મા ધોરણ 1નો અભ્યાસ સંચાલકોએ આ બંને બાળકોને કરાવ્યો હતો અને ત્રણ વર્ષ સુધી ફી વસુલી હતી.
બાળકોની ઉંમર વિશે સંચાલકોને જાણ હોવા છતા માત્ર ફીની લાલચે ઓછી ઉંમર હોવા છતા એડમીશન આપી અભ્યાસ કરાવી ફી વસુલ્યા બાદ હવે બંને બાળકોને ફરી ધોરણ 1મા અભ્યાસ કરવા દબાણ કરાઇ રહ્યું છે. જે અંગે બંને છાત્રોના વાલી અમીતભાઇ કસવાલા અને સામાજીક કાર્યકર જયેશભાઇ દવેએ જિલ્લાના શિક્ષણ તંત્રને રજુઆત કરી હતી.
જે તે સમયે તાલુકા શિક્ષણાધિકારીએ આ અંગે તપાસ કરી શાળા દ્વારા ઓન રેકર્ડ ગેરરીતિ કરાઇ હોવાનો શિક્ષણાધિકારીને અહેવાલ આપવામા આવ્યો હતો.
જો કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા સંચાલકો સામે છ માસ સુધી કોઇ જ પગલા લેવામા આવ્યા ન હતા. જિલ્લાભરમા ઠેકઠેકાણે આ રીતે શાળા સંચાલકો અને શિક્ષણ કચેરીની મિલીભગત ખુલી રહી છે.
છ મહિના સુધી ન્યાય ન મળતા અમીતભાઇ કસવાલાએ વકિલ મારફત શિક્ષણ તંત્રને નોટીસ ફટકારી હતી.
મામલો હવે અદાલતમા જશે તેવો ડર લાગતા જ શિક્ષણાધિકારી કચેરી દ્વારા આટલા લાંબા સમયે આખરે શાળાને રૂૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
જો કે શિક્ષણ વિભાગે કાગળ પર દેખાડવાની કાર્યવાહી તો કરી લીધી પરંતુ અરજદાર અમીતભાઇ અને તેના સંતાનોને કોઇ જ ન્યાય મળ્યો નથી.