સત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્ત
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા સરકાર પર રીતસરના માછલા ધોવાવા લાગ્યા હતા. કોંગ્રેસ નેતાઓ ઉપરાંત પાટીદાર સમાજના અગ્રણીઓએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા સરકાર ડેમેજ કંટ્રોલના મૂડમાં આવી ગઈ હતી.એવામાં પાટીદાર યુવતી પાયલ ગોટીને જામીન મળતા તે જેલમાંથી બહાર આવતા ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા.
સેશન્સ કોર્ટ દ્વારા પાયલ ગોટીના 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ સાંજે જ્યારે પાયલ ગોટી જેલમાંથી બહાર આવી, તે સાથે જ સત્યમેવ જયતેના નારા લાગ્યા હતા. આ સાથે જ જેલ બહાર ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા.
પાટીદાર યુવતી જેલમાંથી બહાર આવી તે સાથે જ પોતાના માતા-પિતાને જોઈને તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા. પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવતા જ પોતાના પ્રથમ નિવેદનમાં વધારે કશું બોલવાનું ટાળ્યું હતુ અને પત્રકારોના પ્રશ્નમાં માત્ર સત્યમેવ જયતે એટલું જ બોલી શકી હતી.
બીજી તરફ જેલની બહાર મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે, અત્યારે દીકરી જેલમાંથી બહાર આવી છે. જેને માનસિક રીતે તૈયાર થવા દો, જે બાદ તે કેસની શરૂૂઆતથી લઈને પોતાના દરેક અનુભવો તમારી સમક્ષ રજૂ કરશે. વધુમાં કોંગ્રેસ નેતાએ મીડિયાનો આભાર માનતા જણાવ્યું કે, જે પ્રમાણે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન ચલાવ્યું. જેથી સરકાર પર દબાણ ઉભુ થયુ. આ પ્રક્રિયાના ભાગરૂૂપે આજે કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવતા દીકરી જેલની બહાર આવી શકે છે.
જણાવી દઈએ કે, અમરેલી પોલીસે ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક લેટર ટાઈપ કરનાર પાયલ ગોટીને જેલમાં ધકેલી દીધી હતી. કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓનો આરોપ છે કે, ભાજપના એક નેતાનો અહમ સંતોષવા માટે પોલીસે પાટીદાર સમાજની કુંવારી દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને તેનું અપમાન કર્યું છે. જે બાદ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું હતુ.
પીડિત યુવતીને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરીની ઓફર
અમરેલીના ચર્ચિત લેટરકાંડ કેસમાં ન્યાયનો ભોગ બનેલી પાટીદાર યુવતીને નવી જિંદગી મળી છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કે આ યુવતીને કાયમી નોકરીની ઓફર કરી છે. આ નિર્ણયથી સમાજમાં આનંદની લહેર ફરી વળી છે.અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ યુવતી સાથે મુલાકાત કરી હતી અને તેને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુવતીએ જે અન્યાય સહન કર્યો છે તેના માટે તેને ન્યાય મળવો જોઈએ અને તેને ફરીથી સમાજમાં માન-સન્માન સાથે જીવવાની તક મળવી જોઈએ. નોકરી મળવાથી સમાજમાં આનંદની લહેર ફરી વળી છે. લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને બેન્કના ચેરમેન દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવ્યા છે. લોકોનું માનવું છે કે આ નિર્ણયથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે અને કોઈપણ નિર્દોષ વ્યક્તિને અન્યાયનો ભોગ બનવા દેવામાં આવશે નહીં.
આ છે અમરેલી પોલીસનુ સ્ડાન્ડર્ડ? મહિલા જજે પોલીસનો ઉઘડો લીધો
અમરેલી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કથિત રીતે બદનામ કરવાના ઈરાદાથી લેટર વાયરલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કામના ભાગરૂૂપે ટાયપિંગ કરનાર પાટીદાર યુવતી પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી એટલું જ નહીં યુવતીને પોલીસે આરોપી બનાવીને રિક્ધસ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું જેથી આ મુદ્દે પોલીસની કાર્યાવાહીને લઈને વિરોધનો સુર ઉઠ્યો હતો. વિપક્ષ તેમજ પાટીદાર સમાજના લોકો દ્વારા આ મામલે વિરોધ કરાતા આખરે પોલીસે કોર્ટ સમક્ષ દીકરીનું ફરિયાદમાંથી નામ કાઢવા માટેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે આ કેસની સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ મહિલા જજે ફરિયાદી વકીલ અને પોલીસને સવાલ કર્યા હતા. પાયલબેનની મધ્ય રાત્રિએ ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ માગનારી અમરેલી પોલીસને કોર્ટ દ્વારા પૂછ્યું કે શું આ છે અમરેલી પોલીસનું સ્ટાન્ડર્ડ ? જજે પોલીસ અધિકારીઓને ખખડાવતા કહ્યું હતુ કે, પોલીસની એવી હિંમત છે કે, સુર્યાસ્ત પછી મહિલાની ધરપકડ કરે. આમ મહિલા જજે પોલીસને સવાલો કરતા અડધી રાત્રે યુવતીની ધરપકડ કરનાર પોલીસનો ઉધડો લીધો. જજે પોલીસની સાથે ફરિયાદીનો પણ આ મામલે ઉધડો લીધો હતો.