અમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણય
અમરેલી લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને જામીન મળ્યા છે. જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી હતી. સેશન્સ કોર્ટમાં યુવતીના વકીલ સંદીપ પંડ્યા દ્વારા દલીલો કરવામાં આવી હતી અને દલીલો કોર્ટે સાંભળી હતી, જેમાં પોલીસ દ્વારા યુવતીને રાત્રે ધરપકડ કરી હોવાની પણ રજૂઆતો કરવામાં આવી હતી. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. આવતી કાલે શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે, 'રાત્રે 12 વાગ્યે એક સ્ત્રીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે, આ કયા પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા, બાદમાં ગત રોજ 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે, આ બેન વિરુધ ગુનો નથી બનતો. યુવતીની ઉંમર 25 વર્ષની છે, ત્યારે લગ્ન જીવન શરૂ થતા પહેલાં જે તેની આબરૂ નિલામ કરવામાં આવી છે તેની ખોટ કોણ પૂરશે?'
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. હવે આજે ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે.