અમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ
મુખ્યમંત્રીને પત્ર લખી હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ અને જવાબદારોના નાર્કોટેસ્ટ કરવા માગણી કરતા ખળભળાટ, પોતે પણ નાર્કોટેસ્ટ માટે તૈયાર
અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઇ ઉચ્ચ અધિકારીના કહેવાથી અથવા કોઇ રાજકીય પદાધિકારીના કહેવાથી મનિષ વઘાસિયાને માર માર્યાની બાબતને અત્યંત ગંભીર ગણાવી
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે ગંભીર આક્ષેપો કરતા કથિત નક્લી પત્રકાંડની આગ ઠરવાનું નામ લેતી નથી. તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે લખાયેલો આ પત્ર વાઇરલ થયા બાદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાસીયા સહિત ભાજપના ત્રણ આગેવાનો અને ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી નિર્દોષ યુવતીની રાતોરાત ધરપકડ કરી તેનુ સરઘસ કાઢવા અને મારમારવાના સમગ્ર ગુજરાતમાં પડધા પડતા રાજય સરકાર પણ બચાવની સ્થિતીમાં આવી ગઇ છે અને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી કડક આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે અને નિર્લિપ્ત રાયનો તપાસ રિપોર્ટ સરકારે દબાવી દીધા જેવી સ્થિતી છે.
ત્યા હવે અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પણ આ મામલામાં કુદાવ્યું છે. જેલમાંથી છૂટેલા મનિષ વધાસિયાએ પોતાને નારણ કાછડીયા અને દિલીય સંઘાણી સહિતના નેતાઓના નામ લઇ પોલીસે પટ્ટા વડે મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે હવે દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે અને નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માંગણી કરી છે. સાથો સાથ સત્ય પોતે પણ નાર્કોટેેસ્ટ આપવા તૈયાર હોવાનું જણાવી આ કેસ સાથે જોડાયેલા લોકોના પણ નાર્કોટેસ્ટ કરવા માંગણી કરતા ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે.
મળતી માહિતી મુજબ,અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અને આ લેટર કાંડની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માગ કરી છે. જોકે પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા અંગે મનિષભાઇ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, મનીષ વઘાશીયાએ કરેલા આક્ષેપ પણ અત્યંત ગંભીર છે. આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.
વધુમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, આ બાબતે સત્યતા બહાર લાવવા હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ...જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.
જૂના જોગીઓને પાડી દેવાની લહાયમાં નવું જૂથ ફસાયું?
અમરેલી જિલ્લા ભાજપમા બે જૂથો વચ્ચે હવે સીધી લડાઇ શરૂ થયાના નિર્દેશો મળે છે. વર્ષોથી અમરેલી જિલ્લાના રાજકારણમા દબદબો ધરાવતા દિલિપ સંઘાણી અને પરસોતમ રૂપાલા તેમજ નારણ કાછડીયા જૂથને કાપી કૌશિક વેકરીયા, ભરત સુતરીયા, મહેશ કશવાલા અને જનક તળાવીયા જૂથનો ભાજપના જ મોવડીઓએ ઉદય કર્યો છે , તેના કારણે સતાના સહકારથી નવા જૂથે જુના જોગીઓને પુરા કરી દેવા સતત પ્રયાસો કર્યા હોવાની ચર્ચા છે, તેવામા કૌશિક વેકરીયા વિરૂધ્ધ લખાયેલ કથિત નકલી પત્ર બાદ નવા જૂથે રીતસર ખેલ પાડી દીધો હતો અને જૂના જૂથને પુરૂ કરી દેવાનો જ પ્લાન હતો પરંતુ નિર્દોષ યુવતીનુ સરઘસ કાઢવાનુ પાપ નડયુ અને આખો ખેલ ઉંધો પડી ગયો છે. હવે જૂનુ જૂથ સવાર થઇ ગયુ છે અને નવુ જૂથ બચાવની સ્થિતિમા આવી ગયુ છે. તેવામા સંઘાણીએ હાઇકોર્ટના નિવૃત જજની તપાસની અને નાર્કો ટેસ્ટની માંગણી કરીને કુકરી ગાંડી કરી છે.
વર્તમાન સાંસદ ભરત સુતરિયા કૌશિક વેકરિયાના સમર્થનમાં
અમરેલીના કોઈ જાહેર કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા એ કૌશિક વેકરીયાનો પક્ષ લીધો હતો. સાંસદ એક તરફ કૌશિક વેકરિયાના વખાણ કરે છે અને બીજી તરફ જાહેરમાં લોકોને ચેતવણી આપતા જોવા મળ્યા હતા. ભરત સુતરીયાએ કહ્યું હતું કે, કૌશિકભાઈએ મને કહ્યું હતું કે ભરતભાઈ તમે માવા છોડી દો. જો તમે એ નહિ છોડો તો હું તમારો નંબર મારા ફોનમાંથી ડીલીટ કરી નાખીશ. આવા યુવા ધારાસભ્ય અને સારા વ્યક્તિત્વ પર તમે આરોપ લગાવો છો. જે લોકોએ તેમના વિરુદ્ધ આક્ષેપો કર્યા ખોટું કર્યું તે આજે જેલમાં બંધ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, તમે કેવા આક્ષેપ કરો છો, અમે 2 દિવસથી તેમની પાછળ પડ્યા છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. આજે એ બધાના રિમાન્ડ પણ મળી ગયા અને બધા જેલ હવાલે પણ થઇ ગયા છે. પછી શું બોવ બોલવા જાવ અને આગળ પાછળનું બધું ખુલી જાહે. એટલે માપમાં રેજો અને જો ખુલી જાહેને તો કોઈ માપના નહિ રયો. યુવા નેતા પર આક્ષેપ કરતા નહિ, નહિ તો જોવા જેવી થશે. જો કે, આ વીડિયો કયા સ્થળનો છે અને કયારનો છે તે સપષ્ટ થયુ નથી.