અમરેલીના લોકો જન્માષ્ટમીનો મેળો માણી શકશે નહિ!: આયોજન રદ
જન્માષ્ટમીને આડે હવે માત્ર ચાર દિવસ: રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરામાં આયોજકોની અરજી હજુ પેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી આઠમના તહેવારોમાં લોક મેળાના આયોજન દર વર્ષે થતા હતા પરંતુ રાજકોટની અગ્નિકાંડ જેવી ઘટનાઓ બાદ રાજય સરકાર દ્વારા વધુ ભીડ થતી હોય તેવા મેળા સહિતના આયોજનો ઉપર કેટલાક કડક નિયમો એસોપી તૈયાર કરતા મેળાના આયોજનો બંધ રાખી રહ્યા છે.
અમરેલી શહેરમાં વર્ષો બાદ એવું બનશે કે આ વર્ષે જન્માષ્ટમીના મેળાનું આયોજન નહીં થાય. અમરેલી શહેરમાં દર વર્ષે બે સ્થળો પર જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકો મન મૂકીને મેળાની મજા માણતા હોય છે. જે આ વર્ષે મનોરંજક રાઈડ વગર માણવી પડે તેવી સ્થિતિ છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા કડક એસોપી બનાવવામાં આવી છે. જેના કારણે અમરેલી શહેરમાં મેળાના આયોજન માટે આજદિન સુધી કોઈ રાઈડ્સના સંચાલકોએ તૈયારી બતાવી નથી. હવે જન્માષ્ટમીને આડે ચાર દિવસ જ બાકી રહ્યા હોય આ વર્ષે અમરેલી શહેરમાં લોકોએ મનોરંજક રાઈડ્સ વગર જ મેળાની મજા માણવાની રહેશે.ઉપરાંત શહેર અમે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો શ્રાવણ માસ જન્માષ્ટમીના મેળાનો લાભ નહિ લઈ શકે જેના કારણે વધુ નિરાશા જોવા મળી શકે છે.
વાત જિલ્લાની કરીએ તો, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરામાં આયોજકો દ્વારા મેળાના આયોજન માટે તંત્ર સમક્ષ અરજી કરી મંજૂરી માંગવામાં આવી છે. પરંતુ, તેઓને પણ હજી સુધી તંત્ર તરફથી મંજૂરી મળી ન હોવાનું જાણવા મળ્યું છે.અમરેલી કલેકટર અજય દહિયાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, લોકમેળા માટે નિયમો માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ગૃહ વિભાગની સૂચના પ્રમાણે સરકારના નીતિ નિયમો ફોલો કરી શકે તે આયોજન કરી શકે છે. જે નિયમો ફોલો ન કરે તે ન કરી શકે.