અમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુ
સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ
અમરેલી શહેરમાં સિંહોની વધતી અવરજવરે સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. મોડી રાત્રે એક સિંહે શહેરના બાયપાસ નજીક ખેડૂતના ખેતરમાં પશુનો શિકાર કર્યો હતો. સિંહ લાંબા સમય સુધી મારણ આરોગતો રહ્યો હતો. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિભાગે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. શિકાર બાદ સિંહ નદી કાંઠા તરફ પરત ફર્યો હતો.
અમરેલી જિલ્લામાં ઠેબી અને શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારમાં 2થી 5 સિંહો વસવાટ કરે છે. તેમની હલચલ હવે શહેરી વિસ્તાર સુધી જોવા મળી રહી છે. વન વિભાગ સિંહોની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે. અમરેલીથી રાજુલા-જાફરાબાદના દરિયાઈ વિસ્તાર સુધી સિંહોનો વસવાટ વધ્યો છે. આ પરિસ્થિતિએ ખેડૂતોમાં ભય ઉભો કર્યો છે. પશુઓના શિકારની ઘટનાઓમાં પણ વધારો થયો છે. વન વિભાગ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે.