અમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજા
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના વતની કેરમ છીડાભાઈ નાયક વાડીમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો. કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ દરમિયાન અન્ય મજૂરોએ કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા-પડકારા કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ખેડૂતો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક ખેતમજૂર કેલાશભાઈએ જણાવ્યું હતું કે, "અમે પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ આવી પહોંચ્યો હતો અને હુમલો કર્યો હતો. સિંહ બચકું ભરી લીધું હતું. જોકે, મેં રાડો પાડતા સિંહ છોડીને ભાગી ગયો હતો. હાલ અમે તેને હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ તેની તબિયત સુધારા પર છે". ઘટનાની જાણ લીલીયા રેન્જ વનવિભાગને થતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવશે.