રાજુલા-જાફરાબાદમાં બે મહિનામાં 400 લોકોને શ્ર્વાને બચકાં ભરી લીધાં
રાજુલા જાફરાબાદ પંથકમા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા બે માસ દરમિયાન 400 લોકોને શ્વાને બચકા ભરી લીધા હતા. શેરી મહોલ્લા અને બજારમા શ્વાનના ટોળા જોવા મળી રહ્યાં છે. અવારનવાર અહીથી પસાર થતા લોકોને બચકા ભરી લઇ ઇજા પહોંચાડી રહ્યાં છે. અનેક વખત રજુઆત કરવામા આવી હોવા છતા પાલિકા દ્વારા આ પ્રશ્ને કોઇ જ કાર્યવાહી કરવામા આવી રહી નથી. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.
રાજુલા જાફરાબાદ શહેરી વિસ્તારમાં સોસાયટી વિસ્તારમાં કુતરાઓનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે લોકો વાહનમા જતા હોય ત્યારે અચાનક શ્વાન પાછળ દોટ મુકે છે જેના કારણે અનેક વખત બાઇક સ્લીપ થઇ પડી જવાના બનાવો પણ વધી રહ્યાં છે. કુતરા દ્વારા બચકા ભરવા, આખી રાત ભસવું, નાના છોકરાઓ પાછળ દોડવું, વૃદ્ધો પાછળ દોડવું આવા બનાવો તો રોજિંદા છે.
રાત્રે લગ્ન કે અન્ય પ્રસંગમાંથી ઘરે આવતા હોય ત્યારે સ્કુટર કે ગાડી પાછળ કુતરા દોડે છે. રાજુલા જાફરાબાદમાં કુતરાઓનો ત્રાસ વધતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. છતા સતાવાળાઓ દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી. આખો દિવસ કામ કર્યા પછી પણ લોકો રાત્રીના સમયે સરખી રીતે ઉંઘી પણ શકતા નથી. કુતરાઓનો કલાકો સુધી ભસે છે.
આ બંને તાલુકામા શ્વાનનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે દરરોજ બે કે તેથી વધુ લોકોને શ્વાન કરડી ગયુ હોય તેવી ઘટના સામે આવી રહી છે. હોસ્પિટલમા પણ 1600 રસીના ડોઝ અત્યાર સુધીમા દર્દીને અપાઇ ચુકયા છે.
બંને તાલુકાના લોકો એવુ જણાવી રહ્યાં છે કે શહેરમાથી ભુંડને દુર કરવા જે રીતે કોન્ટ્રાકટ આપી દેવામા આવે છે તેવી જ રીતે શ્વાને પણ દુર કરવા માટે કોન્ટ્રાકટ આપી દેવો જોઇએ.
છેલ્લા કેટલાય સમયથી શ્વાનનુ ખસીકરણ કરવામાં આવતુ નથી. આથી સંખ્યા વધી રહી છે. કુતરૂૂ કરડવાથી કે ખુટીયા જેવા રખડતા ઢોર દ્વારા પછાડી દઇ ફેકચર સહિતની ઇજા પહોચે ત્યારે તબીબી ખર્ચનુ વળતર નગરપાલીકા પાસેથી વસુલવુ જોઇએ તેવી પણ ચર્ચા ઉઠી રહી છે.