દામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યા
દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ
અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બપોરના સમયે બની હતી, જેના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. દામનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિ નામના યુવકને આરોપીની દીકરી સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધનો આરોપી પરિવાર વિરોધ કરતો હતો. આ મનદુ:ખના કારણે આરોપીઓએ રવિને ધોકા વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા.
ત્યારબાદ, આરોપીઓએ રવિના ભાઈ મનીષને પકડી રાખી છરીના ઘા ઝીંક્યા હતા. છરીનો ઊંડો ઘા વાગવાના કારણે તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ મામલે રવિએ દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુર્ગાબેન માંડવીયા, તુલસીભાઈ માંડવીયા અને કુલદીપ માંડવીયા સામે આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ આ હત્યાની ઘટના અંગે પી.આઈ. આર.વાય. રાવળ વધુ તપાસ ચલાવી રહ્યા છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.