અમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચાર
અમરેલી જિલ્લામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકરોએ વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે પર રામધૂન બોલાવી હતી અને ભાજપ તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.અમરેલી જિલ્લાના વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. અનેક વખત સ્થાનિક લોકો રજૂઆતો કરી ચૂક્યા છે.
તેમ છતાં આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. આથી, મંગળવારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પરિવાર દ્વારા હાથમાં ભાજપ વિરોધી બેનરો અને સૂત્રો લખવામાં આવ્યા હતા. અહીં કોંગ્રેસ પરિવારના કાર્યકરોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી અને રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ કાર્યકરો આ બિસ્માર રસ્તા પર બેનરો લઈને આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, પવડીયાની જનતાને ન્યાય આપો… ન્યાય આપો, ભાજપનો વિકાસ રોડમાં દેખાણો, પવડીયાના લોકો છે ત્રસ્ત ભાજપના નેતાઓ મસ્તથ અને પજ્યાં જ્યાં ભાજપ ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર.
છેલ્લા અઢી વર્ષથી વડીયા સહિત આસપાસ ગામોની સ્થાનિક મતદાતાઓની રજૂઆતો ધ્યાને ન લેવાતા આખરે કોંગ્રેસ પરિવાર મેદાને આવ્યું છે. કોંગ્રેસના 10 કાર્યકર્તાઓ આ રસ્તાને બનાવવાની રજૂઆત માટે આગળ આવ્યા છે.
જો આ બિસ્માર રસ્તાને તાત્કાલિક નહીં બનાવવામાં આવે તો વિકાસશીલ ભાજપ સરકાર પરથી મતદાતાઓનો વિશ્વાસ ડગમગી જાય તો નવાઈ નહીં. 10માંથી 100 લોકો થતા વાર નહીં લાગે. હવે જોવાનું એ રહેશે કે સરકાર મતદાતાઓનું સાંભળશે કે નહીં એ પણ સમય જણાવશે.