વડિયા સિટી સરવે ઓફિસમાં સરકારી યંત્રો બન્યા શોભાના ગાંઠિયા સમાન
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર ઓફિસમાં ઉપરના માળે સીટીસર્વે ની ઓફિસ હાલ કાર્યરત છે. વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત ના માધ્યમ થી મોટાભાગની પેપરલેસ કામગીરી મોટાભાગની ઓફિસોમાં થાય છે. આ રીતે મોટાભાગની ઓનલાઇન કામગીરી સીટીસર્વે ઓફિસમાં પણ કરવાની હોય છે.વડિયા ની સીટી સર્વે ઓફિસમાં જાણે ડિજિટલ ગુજરાતના ધજીયા ઉડતા હોય તેમ આ કચેરીમાં મોનિટર છે પણ સીપીયું ના હોવાથી કોઈ પ્રિન્ટ નીકળતી નથી.ઓનલાઇન કામગીરી કરવા ફરજ પરના અધિકારી અહીંથી લોકોના ડોક્યુમેન્ટ અમરેલી લઈ જઈ ને ત્યાંથી કામગીરી કરીને પછી લોકોને આપતી પ્રિન્ટ છેક આઠ દિવસે આપવા મજબુર બંને છે.
વડિયા ની આ સીટીસર્વે ઓફિસમાં સરકાર ના ફાળવેલા યંત્રો કમ્પ્યુટર,ઝેરોક્ષ મશીન જાણે શોભાના ગાંઠિયા સમાન બની ડિજિટલ ગુજરાત ના ધજીયા ઉડાડતુ જોવા મળી રહ્યું છે. આ બાબતે વડિયા ના જાગૃત નાગરિક જુનેદ ડોડીયા દ્વારા લોકોને પડતી હાલાકી જોઈએ સોશ્યલ મીડિયાના માધ્યમ થી લાઈવ કરી લોકોની હાલાકી બાબતે ફરજ પરના અધિકારી ને પૂછતાં તેમને પણ એવું જણાવ્યું હતુ કે આ ઓફિસમાં કમ્પ્યુટર ચાલતું નથી, ઝેરોક્ષ મશીન ચાલતું નથી લોકોના ડોક્યુમેન્ટ અમરેલી લઈ જઈ કામગીરી કરવી પડે છે ત્યારે આ સાધન સામગ્રી તત્કાલ રીપેરીંગ કરવા જરૂૂરી છે.તો બીજી આ કચેરી દર મંગળવારે એટલેકે અઠવાડિયા માં એક જ દિવસ ખુલે છે અને જો મંગળવાર ના રોજ ફરજ પરના અધિકારી રજા મૂકે તો પંદર દિવસે એક વાર ખુલે છે એટલે ઓનલાઇન કામગીરી બાબતે આ ઓફિસમાં અનેક ધક્કા ઓ લોકો ખાઈ રહ્યા છે.
વિકાસના બણગા ફૂંકતી સરકાર માં એક કમ્પ્યુટર અને ઝેરોક્ષ મશીન રીપેરીંગ કરવા મહિનાઓ વીતી જાય છે તેની જગ્યાએ બીજી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાતી નથી અને લોકોના કામ અટકી પડે છે.ત્યારે વડિયા સીટી સર્વે ઓફિસના બીમાર પડેલા સાધનો અને ફર્નિચર ને તાતકાલિક રીપેરીંગ કરી અથવા નવા ફાળવી તેને કાર્યરત કરવામાં આવે તેવી લોકોની અને સ્થાનિક કર્મચારી ની પણ માંગણી જોવા મળી રહી છે જેથી લોકોને થતા ધરમના ધક્કા બંધ થાય અને લોકોના એક જ ધક્કે કામગીરી થઇ શકે. હવે જોવાનું એ રહ્યું કે આ અનેક મહિનાઓથી બિસ્માર હાલતમાં ધૂળ ખાતા યંત્રો અને ફર્નિચર નો કોઈ ઉકેલ આવે છે કે પછી આ સીટીસર્વે વિભાગના જાડી ચામડીના અધિકારીઓ આ કશું કરવા માંગતા જ નથી અને વિકસિત ગુજરાત ના ડિજિટલ ગુજરાત મોડેલ ના ધજીયા ઉડતા જ રહેશે અને લોકો ધરમના ધક્કા જ ખાશે તે તો આવનારો સમય જ બતાવશે.