અમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડેે લખ્યો પત્ર
ગુજરાતમાં લુખ્ખાગીરી, રોમિયો ગીરીના કિસ્સા રોજ સામે આવતા જોવા મળે છે ત્યારે અમરેલી જિલ્લાના લોકનેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડના પ્રવાસ દરમ્યાન અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલા પટેલ સંકુલના પ્રમુખ મનુભાઈ ઠુંમ્મર દ્વારા કરવામાં આવેલી રજુવાત ને ધ્યાને લઈને અમરેલીની દીકરીઓની ચિંતા કરી બાવકુ ઊંધાડ દ્વારા મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને એસપીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલા પટેલ સંકુલમાં આઠ હજાર જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે. તો ચાર હજાર જેટલી દીકરીઓ અગિયાર જેટલી હોસ્ટેલ રહી અભ્યાસ કરે છે.આ વિસ્તારમાં સ્કૂલ છૂટવાના અને શરૂૂ થવાના સમયે લુખ્ખાઓ અને રોમિયોની અવર જવર વધતી જોવા મળી રહી છે.
આ આવારા તત્વો અભ્યાસ માટે આવતી દીકરીઓ હજુ બૌદ્ધિક પરિપક્વના હોવાથી સીન સપાટા કરી પોતાની જાળમાં ફસાવી ને કોલ અને વિડિઓ રેકોર્ડ કરી તેને બ્લેકમેલ કરી તેની મજબૂરીનો લાભ લે છે અને દીકરીઓની જિંદગી બરબાદ થાય છે તો કોઈ દિકરી સમાજમાં પોતાના પરિવારની આબરૂૂ ખાતર આવા કિસ્સાને છુપાવી સહન કરે છે. ભૂતકાળમાં અમરેલીમાં સિંઘમ એસપીની છાપ ધરાવતા શોભા ભૂતડા જિલ્લા પોલીસ વડા હતા ત્યારે તેને અમરેલીમાં આવા લુખ્ખા ઓ અને રોમિયોને પાઠ ભણાવવા માટે રોમિયો સ્કોર્ડની રચના કરી હતી.
જે અમરેલી શહેર અને ચક્કરગઢ રોડ પર સતત પેટ્રોલિંગ કરી રોમિયોને ઝડપી કાયદાના પાઠ ભણાવતી હતી. હાલ આવા લુખ્ખાઓ અને રોમિયોનો ત્રાસ આ વિસ્તારમાં વધતો હોય ત્યારે ફરી અમરેલી શહેરમાં અભ્યાસ કરતી દીકરીઓની સલામતી માટે રોમિયો સ્કોર્ડની રચના કરવામાં આવે તેવી માંગણી પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને પત્ર લખી માંગણી કરાઈ છે.