અમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદ
અમુક ઈંચ વરસાદમાં જ રાજ્યભરના રોડ પર ખાડાથી લઈને રસ્તો ધોવાઇ જવા સુધીના સમાચાર હવે કોઈ નવી વાત નથી રહી. આ રસ્તા પર પડતા ભૂવાના કારણે અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. સામાન્ય લોકો અને વિપક્ષ તો આ મુદ્દે અવાર-નવાર ફરિયાદ કરતા રહે છે પણ ભાજપના નેતાઓ તો જાણે પસબ ચંગાથવાળી ધૂનમાં જ જોવા મળે છે. જોકે, હવે તો આ નેશનલ અને સ્ટેટ હાઇવેની કથળતી સ્થિતિના કારણે ભાજપના નેતાઓ પણ પોતાના જ પક્ષ સામે સવાલ કરતા થઈ ગયા છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ બિસ્માર રોડ વિશે સરકારને ફરિયાદ કરી છે અને ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે.
હિરેન હિરપરાએ સરકારને ખરાબ રસ્તા વિશે વાત કરતા પોતાની જ પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપો મુક્યા હતા. તેમણે કહ્યું કે, અમરેલી જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે અતિ ખરાબ હાલતમાં છે. આ જિલ્લામાં બનતા નવા ડામર રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાળી કમાણી કરીને પ્રજાને રોડ-રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે. અમરેલી જિલ્લામાં આવેલા સ્ટેટ હાઇવે અને જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના નવા બનાત રોડ કે રી-કાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે ગેરી લેબમાં ફેઇલ થયા હોય તેવો કોઈ દાખલો બન્યો નથી.
વધુમાં તેમણે કહ્યું કે, ગેરંટી સમયમાં રહેલા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ થયા હોય તેવા દાખલાઓ જનતાની જાણમાં નથી. કોઈ એજન્સીને નબળા કામને લઈને દંડ થયો હોય અને વસુલાત થઈ હોય તેવા દાખલા નહિવત છે. કોઈની સામે પોલીસ ફરિયાદ થઈ હોય તેવા દાખલા પણ ધ્યાને આવતા નથી. અમરેલીમાં રેતીની લિઝ ન હોવા છતાં પણ સરકારી બાંધકામ બંધ રહ્યું નથી. ગેરકાયદે રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવે છે, જે સૌથી મોટું કૌભાંડ છે. હાલના સમયમાં નીચેના હાઇવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. તેથી બને એટલું જલ્દી પેચ કામ કરીને રી-કાર્પેટ થાય જેમાં રાજુલાથી સાવરકુંડલા સ્ટેટ હાઇવે, સાવરકુંડલાથી અમરેલી હાઇવે, સાવરકુંડલાથી નેસડી સુધી ચાલતા સ્ટેટ હાઇવે, અમરેલીથી બગસરા સ્ટેટ હાઇવે, ચાવલાથી બગસરા સ્ટેટ હાઇવે, અમરેલીથી બાબરા નેશનલ હાઇવે, બગસરાના માણેકવાડાથી બીલખા રોડ અમરેલીની હદ સુધી તમામ રોડ રિપેરિંગ અને નવા બનાવવા માટે રજૂઆત કરી છે.